• શનિવાર, 23 મે, 2026

અમદાવાદ : પેરોલ મંજૂર થયાનું કહીને સાયબર ગઠિયાઓએ કરી ઓનલાઈન ઠગાઈ

કાકાના દીકરાના પેરોલના ચક્કરમાં ફોઈના દીકરાએ રૂ.45,000 ગુમાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ, તા.22: અમદાવાદના માધુપુરામાં સામાન્ય પરિવાર સાયબર ઠગાઈ કરતી ટોળકીનો ભોગ બન્યું છે. જેલમાં સજા કાપી રહેલા સ્વજનની લાચારીનો લાભ ઉઠાવતા પેરોલ મંજૂર થયાનું કહીને ઓનલાઈન નાણા તફડાવી લીધા હતા.

 માધુપુરામાં ઈદગાહ સર્કલ પાસે ટેકરાવાળી ચાલીમાં રહેતા સુરેશ પટણીના કાકાના બે દીકરાઓને 2024માં પંચવટી નજીક નિકોલમાં પાડોશી સાથે મારામારી થઈ હતી. જેમાં પાડોશીનું મૃત્યુ થતા નિકોલ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો અને કાકાના દીકરાઓ અનિલ તથા રવીને સજા થઈ હતી. આ પૈકી રવીના જામીન મંજૂર થયા હતા અને તે જેલ બહાર જામીન પર મુક્ત થયો હતો. બીજો ભાઈ અનિલ હાલ જેલમાં હોય કોર્ટમાં પેરોલ માટે અરજી કરવામાં આવી હતી. સુરેશ પટણીને 18 ફેબ્રુઆરીએ ફોન આવ્યો હતો અને હિન્દીમાં જણાવ્યું કે, સેન્ટ્રલ જેલમાંથી બોલું છું. તારા કાકાનો છોકરા અનિલ જેલમાં છે. તેના 15 દિવસના પેરોલ મંજૂર થયા છે. રૂ.15000ની રીસીપ્ટ મોકલું છું. તમે ઓનલાઈન રૂપિયા ભરી દો. સીધા કોર્ટમાં રૂપિયા જમા થશે, ઓનલાઈન રૂપિયા આપો નહીં તો પેરોલ કેન્સલ થઇ જશે. તેમ જણાવ્યું હતું. કાકાના દીકરાને પેરોલ પર છોડાવવા માટે સુરેશે ફોઈના દીકરા પાસે ઓનલાઈન પેમેન્ટ મગાવ્યું હતું અને કોલ કરનારને ફોન પેથી પેમેન્ટ કરી દીધું હતું. બાદમાં ફોન કરનારે વકીલની ફી પેટે રૂ.5000 માંગ્યા હતા, રકઝક બાદ રૂ. 2000 મોકલ્યા હતા અન બાદમાં ફોન બંધ આવતો હતો. બીજા દિવસે ફોઈના દીકરાના ફોન પે સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી રૂ.28000 કપાઈ ગયા હોય ભેજાબાજે કુલ રૂ. 45000 ઓળવી લીધા હતા. સુરેશ પટણી દ્વારા આ બાબતે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક