• શુક્રવાર, 27 માર્ચ, 2026

શીશલી ગામના વાડી વિસ્તારમાં પડોશી મહિલાએ જ કર્યો હતો હાથફેરો !

-44 તોલા સોનાના દાગીના સહિત 62 લાખના મુદ્દામાલની થઈ હતી ચોરી

પોરબંદર તા.26 : પોરબંદર નજીકના શીશલી ગામના વાડી વિસ્તારમાં કેટલાક મહિનાઓ પહેલા 44 તોલા સોનાના દાગીના સહિત 62 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે નજીકમાં જ રહેતી મહિલાની અટકાયત કરી છે અને ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો છે તે ઉપરાંત ભંગાવીને નવા બનાવેલા દાગીના પણ પોલીસે કબજે કરી લીધા છે.

બનાવની વિગત એવી છે કે શીશલી ગામના ટીંબા સીમ વિસ્તારમાં કેટલાક મહિનાઓ પહેલા ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં સોના-ચાંદીના 44 તોલા દાગીના અને દોઢ લાખ રૂપિયાની રોકડ ની ચોરી થઈ હતી. અંદાજે 62 લાખ રૂપિયાની કિંમતના દાગીના અને રોકડની ચોરીનો આ બનાવ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગુનો ડિટેક્ટ કરીને ચોરી થઈ હતી તેની નજીકમાં જ રહેતી શાંતીબેન કેશુ ખૂટી નામની 42 વર્ષની મહિલાએ આ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. 

જેથી પોલીસે એ મહિલાની પૂછપરછ કરતા તેણે ગુનાની કબુલાત આપી હતી અને ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલ રિકવર કરીને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે જે તે સ્થિતિમાં ગયેલા મુદ્દામાલ 269.36 ગ્રામ સોનાનો હતો. જેમાં સોનાના હાર, ચેન, વીંટી, સોનાનું બિસ્કીટ અને દોઢ લાખની રોકડ મળી આવ્યા હતા. જે તે સ્થિતિમાં ગયેલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો જેની કિંમત 34,84,571 થાય છે. જ્યારે અમુક મુદ્દામાલના દાગીના તેણે ભંગાવી નાખ્યા હતા અને તેમાંથી નવા દાગીના બનાવ્યા હતા. આથી  163 ગ્રામ સોનાના નવા દાગીના જેમાં બુટ્ટી, રજવાડી હાર, મંગળસૂત્ર,પેન્ડલ સેટ અને વીંટી બનાવ્યા હતા. જે 25 લાખ 76,561નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક