• શુક્રવાર, 27 માર્ચ, 2026

પાલિતાણાના સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં 8 વિદ્યાર્થી સાથે ગૃહપતિનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

- ત્રણ વર્ષથી થતું હતું સગીરોનું શોષણ : બાલાશ્રમમાં સીસીટીવી ન હોય તેવા પવિત્ર પ્રાર્થનાખંડ સહિતના સ્થળે કૃત્ય : પીડિત વિદ્યાર્થીના પિતાએ એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરતા કાંડ બહાર આવ્યો

 

પાલિતાણા, તા.26: પાલિતાણામાં આવેલા સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમના ગૃહપતિએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બાલાશ્રમમાં અભ્યાસ કરતા આઠ સગીર વિદ્યાર્થીઓને ધમકાવીને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો ચોકાવનારો આક્ષેપ કરાયો છે. જે મામલે એક પીડિત વિદ્યાર્થીના પિતાએ ભાવનગર એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર કાંડ બહાર આવ્યું છે.

બનાવની પ્રાથમિક વિગતો મુજબ પાલિતાણાના તળેટી રોડ ઉપર આવેલા સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમના ગૃહપતિ હસમુખભાઈ શાહ (ઉં.વ.63) ધો.10માં અભ્યાસ કરતાં એક સગીરને છેલ્લા ત્રણ વર્ષથી ધમકીઓ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું ધોરણ આઠમાં હતો ત્યારથી બાલાશ્રમના ગૃહપતિ હસમુખ શાહ મને બ્લેકમેલ કરીને મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે અને છેલ્લે ગત તા.12-3-2026ના રોજ મને બાલાશ્રમમાં સી.સી.ટી.વી. કેમેરા ન હોય તેવા પ્રાર્થના હોલમાં બોલાવીને મારી સાથે કૃત્ય કર્યું છે. જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ગળાનું અને પેટનું પણ ઓપરેશન કરાવ્યું છે. મારી સાથે અભ્યાસ કરતા અન્ય સાત વિદ્યાર્થીઓ સાથે પણ હસમુખ શાહે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે.

પીડિત વિદ્યાર્થી ધો.10ની પરિક્ષા બાદ વેકેશનમાં ઘરે ગયો હતો ત્યારે સમગ્ર હકીકત પિતાને જણાવતા પીડિત વિદ્યાર્થીના પિતાએ સિદ્ધક્ષેત્ર બાલાશ્રમના ટ્રસ્ટી શાંતિભાઈ મહેતા, કોઠારી સંજયભાઈ પંચાસરા અને શિક્ષણ આપતા મેહુલભાઈ બારૈયાને પણ વાત કરી હતી. જે બાદ પીડિતના પિતાએ પાલિતાણા ટાઉન પોલીસના પી.આઈ. કરમટાને પણ વાત કરી હતી પરંતુ પોલીસે પગલાં ન લેતા આફતગ્રસ્ત પરિવાર એસ.પી. નીતિશ પાંડે સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યો હતો અને એસ.પી.એ પાલિતાણા પોલીસના અધિકારીઓને કડક પગલાં લેવાનો હુકમ કરતા પાલિતાણા પોલીસે પોક્સો સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક