• શુક્રવાર, 27 માર્ચ, 2026

ભાજપને સૌથી વધુ 6074 કરોડ દાન

2024-25માં 517 કરોડ સાથે કોંગ્રેસ બીજાં સ્થાને; બધા પક્ષોના ફાળા કરતાં ભાજપને 10 ગણું દાન

નવી દિલ્હી, તા. 26 : દેશના પ્રમુખ રાજકીય પક્ષોને 2024-25ના નાણાંવર્ષમાં મળેલાં દાનના આંકડા સામે આવી ચૂક્યા છે. ભાજપ પક્ષ વધુ એક વખત દેશમાં સૌથી વધુ દાન મેળવનાર પક્ષરૂપે સામે આવ્યો છે. ત્યારબાદ કોંગ્રેસ બીજાં સ્થાને છે.કોંગ્રેસ સહિત ચાર રાષ્ટ્રીય પક્ષોને મળેલાં કુલ્લ દાન કરતાં એક હજાર ટકા વધુ ફાળો એકલા કેસરિયા પક્ષના ખાતાંમાં આવ્યો છે. એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ અનુસાર, તમામ રાજકીય પક્ષોને કુલ્લ 11,343 દાનકર્તાઓ તરફથી 6648.563 કરોડ રૂપિયા દાન મળ્યું છે.

દેશભરના પક્ષોનાં દાનના 91 ટકાથી વધુ દાન ભાજપને મળ્યું છે. 2024-25માં કેસરિયા પક્ષને 6074.015 કરોડ રૂપિયા દાનમાં મળ્યા હતા. આ ફાળો 5522 દાન દાતાઓએ આપ્યો હતો.

કોંગ્રેસે આ સમયગાળામાં 517.394 કરોડ રૂપિયા દાન 2501 દાતા તરફથી મળ્યું હોવાનું ચૂંટણીપંચને જણાવ્યું છે.

આમ આદમી પાર્ટીને 38.106 કરોડ, માકપાને 16.957 કરોડ મળ્યા છે. બીજી તરફ, બસપાનો આંકડો ચોંકાવનારો છે. આ પક્ષે માત્ર 20 હજાર રૂપિયાનું દાન બતાવ્યું છે. ખાસ જોવા જેવી વાત એ છે કે, પ્રથમ રહેનાર ભાજપ અને બીજાં સ્થાને રહેનાર કોગ્રેસનાં દાનની રકમ વચ્ચે 12 ગણો ફરક છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક