સરકારનો મોટો પ્લાન: ફેક એકાઉન્ટસ અને તેનાથી થતી અવૈધ પ્રવૃત્તિઓ રોકવા કેવાયસી નિયમ લાગુ કરવાની વિચારણા
નવી
દિલ્હી, તા. 26 : ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અથવા એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના
ઉપયોગમાં મોટો બદલાવ આવી શકે છે. કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ્સને
ખતમ કરવા માટે કેવાયસી નિયમ લાગુ કરવાની વિચારણા કરી રહી છે. વર્તમાન સમયમાં સોશિયલ
મીડિયા ઉપર ફર્જી પ્રોફાઈલ, ફ્રોડ અને સાઈબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યા છે. ઘણા લોકો નકલી
ઓળખ બનાવીને લોકોને છેતરે છે, પરેશાન કરે છે અને ખોટી જાણકારી ફેલાવે છે. આ કારણે સરકાર
હવે આવા એકાઉન્ટસ ઉપર કડકાઈ બતાવવાની તૈયારીમાં છે.
જો
નિયમ લાગુ થશે તો યુઝર્સને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં કે ઉપયોગ કરવા માટે પોતાની
અસલી ઓળખ વેરિફાઈ કરવી પડશે. આ પ્રક્રિયા બેંક અથવા સિમ કાર્ડ માટે થતા કેવાયસી જેવી
જ રહેશે. સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કેવાયસી આધારિત સિસ્ટમ લાગુ કરવાનો વિચાર
કરી રહી છે. આ પ્રસ્તાવ એક સંસદીય સમિતિના રિપોર્ટમાં સામે આવ્યો હતો. જેમાં સૂચન આપ્યું
હતું કે સોશિયલ મીડિયા, ગેમિંગ અને ડેટિંગ પ્લેટફોર્મ ઉપર કેવાયસી જરૂરી કરવામાં આવે.
જો નિયમ લાગુ થશે તો વેરિફિકેશન વિના એકાઉન્ટ બનાવવું કે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બની
શકે છે.
વર્તમાન
સમયે સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઈલ મોટી પરેશાની બની ચૂક્યા છે. જેનો ઉપયોગ ખોટા કામો
માટે કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ફર્જી એકાઉન્ટસ મારફતે સાઈબર ક્રાઈમમાં ઝડપથી
વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોને વધારે નુકસાન થઈ રહ્યું છે. જો
કેવાયસી નિયમ આવશે તો દરેક યુઝરની ઓળખ સરળ બનશે. વધુમાં ફેક એકાઉન્ટ બનાવવું મુશ્કેલ
બની જશે. ખોટા કામ કરતા લોકોને ટ્રેક કરવામાં સરળતા આવી શકે છે.
------------------
મેટાને
3141 કરોડનો જંગી દંડ
અમેરિકી
અદાલતનો મહત્ત્વનો ચુકાદો : ફેસબુક, ઈન્સ્ટાગ્રામ બાળકો માટે સુરક્ષિત નથી
વોશિંગ્ટન,
તા. 26 : અમેરિકાની એક અદાલતે ઐતિહાસિક ફેંસલો આપતાં ‘મેટા’ને ઓનલાઈન પડકારોથી બાળકોને
બચાવવામાં નિષ્ફળ રહેવાના દોષી માનતાં 3141 કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો હતો.
ન્યૂ
મેક્સિકો જ્યૂરીએ કહ્યું હતું કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ બાળકો માટે સુરક્ષિત નથી. આ
મંચો પર અશ્લીલ વીડિયો, તસવીરો, માનવ તસ્કરી, ખોટી પ્રવૃત્તિઓ બાળકોને બચાવતા નથી પણ
બગાડે છે.
અન્ય
એક મામલામાં કેલિફોર્નિયાની કોર્ટે મેટા અને ગૂગલને 28 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.
જેમાંથી 70 ટકા જેટલી રકમ એટલે કે લગભગ 20 કરોડ રૂપિયા મેટાએ દેવા પડશે. એક યુવતીએ
મેટાની હતાશા અને તાણ વધારવા માટે જવાબદાર લેખાવતાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયાની
લત યુવાનોને લગાડીને મોટું નુકસાન કરાય છે. દરમ્યાન, મેટાએ કહ્યું હતું કે, અમે આ ફેંસલાને
પડકારતાં અપીલ કરીશું. કંપનીએ બિનજરૂરી દલીલોનો આરોપ મૂક્યો હતો.
ઉલ્લેખનીય
છે કે, ભારતમાં બાળકો વિરુદ્ધ બે વર્ષમાં 38 ટકા સાયબર અપરાધ વધ્યા છે. 2021થી 2023
વચ્ચે બાળકો વિરોધી સાયબર અપરાધોમાં 443 મામલા સાથે કેરળ મોખરે છે.
અમેરિકી
અદાલતનો ફેંસલો ભારતીય બાળકો અને યુવાનોને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પાછળ સમય બરબાદ નહીં
કરવાની શીખ આપે છે.