• શુક્રવાર, 27 માર્ચ, 2026

ઈરાન યુદ્ધ વચ્ચે આજે દેશભરના સીએમ સાથે વાત કરશે પીએમ મોદી

વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી થશે બેઠક        

ઊર્જા સંકટના લક્ષણ વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનું સમન્વય મુખ્ય મુદ્દો

નવી દિલ્હી, તા. 26 : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધે ભારતમાં પણ ઊર્જા સંકટ વધારી દીધું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આ સંકટનો સામનો કરવા માટે તૈયારી કરી રહી છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા માટે આવતીકાલે શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી બેઠક કરશે. જો કે આ બેઠકમાં એવાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થશે નહીં જેમાં વિધાનસભા ચૂંટણીની તારીખ ઘોષિત થઈ ચૂકી છે. આ બેઠકનો હેતુ ટીમ ઇન્ડિયાની ભાવના હેઠળ ઊર્જા સંકટનો સામનો કરવા થઈ રહેલા તમામ પ્રયાસો વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે.

ઈરાન યુદ્ધના વધતા સંકેત ઉપર રાજ્યસભામાં આપેલા સંબોધનમાં પીએમ મોદીએ તમામ પાર્ટીઓને એકતાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ જો ચાલુ રહેશે તો તેનું વૈશ્વિક સ્તરે દુષ્પરિણામ જોવા મળશે. ભારત પણ તેનાથી બાકાત રહેશે નહી. આવી સ્થિતિમાં આવનારો સમય ભારત માટે પરીક્ષાનો છે. જેમાં રાજ્ય સરકારોનો સહયોગ ખૂબ જ જરૂરી છે. દેશે ટીમ ઇન્ડિયાની જેમ કામ  કરવું પડશે અને સંકટમાંથી બહાર આવવું પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા આ બેઠક એવા સમયે આયોજિત કરવામાં આવી રહી છે જ્યારે ઈરાન યુદ્ધને લઈને ફરી એક વખત અનિશ્ચિતતા વધી છે. ઈરાને ભલે હોર્મુઝમાંથી પસાર થવા ભારતીય જહાજોને મંજૂરી આપી હોય તો પણ ઊર્જા સંકટના લક્ષણ જોવા મળી રહ્યા છે. જો કે સરકાર તરફથી સતત દેશમાં ઊર્જા સંકટના અહેવાલોનું ખંડન કરવામાં આવી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક