• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

યુવક સાથે લગ્નનું નાટક કરી છેતરાપિંડી આચરનારી લુટેરી દુલ્હન સહિત બે પકડાયા

મોરબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી : 15 રાજ્યોમાં યુવકોને છેતર્યાનું ખુલ્યું

મોરબી, તા.ર0: મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા યુવાન સાથે લગ્ન કરવાના રૂ.3 લાખ લીધા બાદ લગ્ન કરી ત્રણ દિવસ રોકાઈને લુંટેરી દુલ્હન નાસી ગઈ હતી જે લુટેરી દુલ્હન મહેસાણામાં ઝડપાઈ જતા રાજ્યમાં 1પ જેટલા પુરુષો સાથે લગ્ન કરી ચીટીંગ કર્યાનું ખુલ્યું છે. મહેસાણામાં લુટેરી દુલ્હન સહિતના બે આરોપી ઝડપાયા બાદ મોરબી પોલીસે બન્ને આરોપીનો કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા.રર-11ના રોજ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરાએ બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપીઓ રાજુભાઈ જીવરામભાઈ ઠક્કર અને ચાંદની રમેશભાઈ ઠાકોર (રહે. બન્ને અમદાવાદ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના દીકરા રાહુલ સાથે ચાંદનીના લગ્ન કરવાના ખર્ચ પેટે રૂ. ત્રણ લાખ લીધા હતા.

રાજુભાઈ ઠક્કરે ચાંદની સાથે લગ્ન કરાવી આપ્યા હતા અને બાદમાં ચાંદની ત્રણ દિવસ રોકાઈ પિતાનું મૃત્યુ થયાનું બહાનું બનાવી ગયા બાદ પરત ફરી ના હતી. બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. દરમિયાન લુટેરી દુલ્હન અને તેનો સાગરિત બન્ને બહુચરાજી પોલીસની ઝપટમાં ચડી ગયા હતા. યુવતીએ દિયોદર તાલુકાના લુંન્દ્રા, ઈડર તાલુકાના અરોડા, સમી તાલુકાના દુદખા, બાળવા, રાજકોટ, અમદાવાદ અને ઈડર તાલુકાના રામપુર, વેરાવળ, કપડવંજ તાલુકા, બહુચરાજી તાલુકા તેમજ પાટણ, મોરબી અને ગાંધીનગર સહિતના સ્થળોએ 1પ જેટલા પુરુષો સાથે લગ્નનું નાટક રચી ઠગાઈ કર્યાનું ખુલ્યુ છે. મોરબી બી ડીવીઝન પોલીસે બન્ને આરોપીનો કબજો મેળવી કોર્ટમાં રજુ કરી જેલહવાલે કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક