રાજકોટના યુવાનને રોકાણ કરવાથી સારો ફાયદો થવાની લાલચ આપી
જેતપુર,
તા.1: રાજકોટમાં રહેતા યુવાનને વિવાદિત સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂઆન્સર બન્ની ગજેરાએ પોતે
એક કંપનીમાં એજન્ટ હોવાનું જણાવી તેમાં રોકાણ કરવાથી સારો એવો ફાયદો થવાની લાલચ આપી
રોકાણ માટે કટકે કટકે 3.60 લાખ લઈને છેતરપિંડી
અને વિશ્વાસઘાત કર્યાની જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
મૂળ
ગોંડલનો હાલ રાજકોટ રહીને ઇમિટેશન જ્વેલરીનું મજૂરી કામ કરતો કશ્યપ કિશોરભાઈ રામાણી
જૂન મહિનામાં એક ગુનાના કામસર જેતપુરની સબ જેલમાં કેદ હતો. ત્યારે કોઈ ગુનાના કામે
જેલમાં આવેલા મોટા ગુંદાળા ગામે રહેતો ભાવિન ઉર્ફે બન્ની ગોરધનભાઈ ગજેરા મળ્યો હતો.
બન્ની ગજેરાએ કશ્યપને જણાવ્યું કે મારી પાસે એક કંપનીનું બસો કરોડ રૂપિયાનું કામ છે
તેમાં હું એજન્ટ છું. તેમાં રોકાણ કર એટલે તને સારું વળતર મળશે જેથી કશ્યપ બન્ની વાતમાં
આવીને જેલમાંથી છૂટયા બાદ કટકે કટકે રોકડ તેમજ યુપીઆઈથી 3.60 લાખ રૂપિયા બન્નીને રોકાણ
કરવા આપ્યા હતા. ત્યારબાદ રોકાણ વિશે બન્નીને ઘણીવાર કશ્યપે પૂછ્યું પરંતુ તે બાબતનો
કઈ જવાબ આપતો નહિ. અને એકાદ મહિના પૂર્વે બન્નીએ કશ્યપને વોટ્સએપ મેસેજમાં ગાળો આપી
અને મારી પાસે તારા બધા વોટ્સએપ ચેટ છે મજા કર નવી તારીખ ભરવા તૈયાર રહેજે તેમ કહી
કોઈ ગુનામાં ફિટ કરી દેવા ધમકી આપી હતી. જેથી કશ્યપને પોતાની સાથે છેતરાપિંડી અને વિશ્વાસઘાત
થયો હોવાનું અહેસાસ થતા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બન્ની ગજેરા વિરુદ્ધ છેતરપિંડી
અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.