• શનિવાર, 27 એપ્રિલ, 2024

તાલાલાની કેસર કેરી માટે હજુ એક મહિનો રાહ જોવી પડશે

કેરીનો ફાલ પાછોતરો છે અને ઉત્પાદન પણ ઓછું છે એ હરાજીમાં વિલંબ કરાવશે

રાજકોટ, તા.28 (ફૂલછાબ ન્યૂઝ) : કેસર કેરીની બેશૂમાર આવકને લીધે ભાવ તળિયે પહોંચી જતા ગઇ સીઝનમાં સ્વાદ શોખીનોને મજા પડી ગઇ હતી પરંતુ આ વખતે સીઝન મોડી અને ફિક્કી રહેવાની સંભાવના છે. વાતાવરણમાં થયેલા ફેરફારોને લીધે સોરઠ વિસ્તારમાં અને અમરેલી પંથકમાં જ્યાં કેરી મહત્તમ પાકે છે ત્યાં પાક 40-50 ટકા કપાશે એવી સંભાવના છે. વળી, તાલાલા મેંગો માર્કેટમાં કેરીની હરાજી પણ આ વખતે મોડી થાય એમ છે કદાચ આખો એપ્રિલ કે એપ્રિલના 20-25 દિવસ રાહ જોવાની આવે તેવા સંકેત મળ્યા છે.

તાલાલા માર્કેટ યાર્ડના એક અધિકારી કહે છે, એપ્રિલના અંતિમ દિવસોમાં કે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં હરાજી શરૂ કરવાનું આયોજન થાય એમ છે કારણકે કેરીનો આગોતરો ફાલ બગડી ગયો છે. પાછોતરો ફાલ વધારે આવે તેમ છે એટલે હરાજી મોડી પડશે. ઉલ્લેખનીય છેકે, કેસર કેરીની હરાજી તાલાલામાં શરૂ થાય એ પછી જ બજારમાં કેરીની આવક એકદમથી વધતી હોય છે.

પાછલા વર્ષમાં તાલાલામાં 18 એપ્રિલના દિવસે હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. છેક 16 જૂન સુધી હરાજી થઇ હતી. લગભગ બે મહિના સુધી લાંબી સીઝન ચાલતા આવક પણ વિક્રમી 12.50 લાખ બોક્સ થઇ હતી. કેસર કેરીનું ઉત્પાદન પણ ઘણું સારું રહેતા લોકોને સીઝનમાં એક કિલોએ રૂ. 40-60 વચ્ચે રહ્યા હતા. 2022માં 26 એપ્રિલે હરાજી શરૂ થઇ હતી. એ જોતા આ વર્ષે પણ માસાંત પૂર્વે કેસર કેરીની હરાજી શક્ય નહીં બને

ઇ-પેપરના નવા શુલ્ક