• ગુરુવાર, 09 મે, 2024

મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઇને હાઇ કોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી મોરબી કલેક્ટરે પીડીતોના વળતરના સોગંદનામામાં  પ્રતિમાસ 12 હજાર ચૂકવવા સૂચવ્યું’તું

કંપનીએ રૂ.5 હજારની તૈયારી દર્શાવી’તી

અમદાવાદ, તા. 26: ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ચાલી રહી છે. ત્યારે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે ઓરેવાની ધૂળ કાઢી નાંખી હતી. સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીએ બિનશરતી માફી માંગી છે. ત્યારે હવે ઝુલતા બ્રિજ તૂટવાનો મામલે આવતા મહિને વધુ સુનાવણી હાથ ધરાશે.

ઓરેવા કંપની તરફથી હાઈકોર્ટમાં કોર્ટની કન્ટેમ્પ્ટ દાખલ કરવાની શો કોઝ નોટિસ અને કલેક્ટર દ્વારા પીડિતોને આપવાના વળતર અંગે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ઓરેવાના એમડી જયસુખ પટેલે સોગંધનામુ દાખલ કર્યું હતું. આજે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે હાઈકોર્ટની માફી માંગી હતી. જયસુખ પટેલે કોર્ટમાં કહ્યું કે, અગાઉ કોર્ટના આદેશ બાદ સમયસર જવાબ ન આપી શક્યો તે બદલ માફી માંગુ છું. હાઇકોર્ટના

 આદેશનું પાલન કરવા હું બંધાયેલો છું અને હંમેશા પાલન કરીશ.

ગુજરાત હાઇકોર્ટે કંટેમ્પ્ટ કાર્યવાહી શા માટે શરૂ ન કરવી તે અંગે ખુલાસો કરવા નોટિસ આપી હતી. ઓરેવા વતી તેમના એકાઉન્ટે પણ હાઇકોર્ટમાં સોગંધનામું દાખલ કર્યું હતું. પીડિતોને આપવામાં આવનાર આર્થિક વળતર અને તેની પદ્ધતિ મામલે સોગંદનામુ કરાયું હતું. અત્યાર સુધી આપવામાં આવેલા વળતર અને આગામી વળતર મામલે પણ સોગંદનામું કરાયું હતું.

નોંધનીય છે કે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા પીડિતોના વળતર અંગે સોગંદનામુ ફાઇલ કરવામાં આવ્યુ છે. જેમાં અનાથ બાળકોને, વિધવા માહિલાઓ વગેરેને પ્રતિમાસ રૂ. 12 હજાર આપવા કલેક્ટરે સુચવ્યુ હતું પરંતુ કંપની પ્રતિમાસ રૂ.5 હજાર આપવા તૈયાર હતી.

આ બાબતે ઓરેવા કંપનીએ જણાવ્યું કે, દુર્ઘટના બાદ પીડિતો અને મૃતકોના પરિજનોને મળી કુલ 14 કરોડ 62નું ચુકવણું કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં આપવામાં આવનાર નાણાકીય વળતરનાં ચુકવણા માટે જિલ્લા કલેકટર સાથે વાટાઘાટો ચાલુ છે. 5 બાબતોને લઈને વળતર મામલે વાતચીત આગળ વધી રહી હોવાનું પણ સોગંદનામામાં ટાંક્યું છે. જેમાં દુર્ઘટનાના પીડિત વૃદ્ધો, વિધવા, પીડિત, અનાથ અને ઘાયલોને માનસિક સ્વાસ્થ્ય બાબતે ચર્ચાઓ કરાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ ઓરેવા દ્વારા ટ્રસ્ટની રચના અંગે વ્યૂહરચના તૈયાર કરાઈ છે. કુલ 7 સભ્યો ધરાવતા “મોરબી સહાય સેવા પરિવાર ટ્રસ્ટ“ની રચનાનો ડ્રાફ્ટ્ તૈયાર કરાયો છે. 4 ટ્રસ્ટી સરકારની ભલામણ અને 3 ટ્રસ્ટી કંપની ભલામણ મુજબ કાર્યો કરશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક