• બુધવાર, 08 મે, 2024

રાજકોટને રેલવે આપશે નવી વંદે મેટ્રો ટ્રેન : અશ્વિનીકુમાર

રાજકોટ ચેમ્બરના વિકસિત ભારત 2047 સંવાદમાં રેલ પ્રધાનની જાહેરાત: જુલાઇ 2024માં એન્જીન, કોચ અને ટ્રેન તૈયાર થઇ જશે : અમદાવાદ રાજકોટ આવાગમન અતિ સરળ બનશે

રાજકોટ, તા.26: (ફૂલછાબ ન્યૂઝ) રેલવે કનેક્ટિવીટીના મામલે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને અન્યાય થઇ રહ્યો છે એવી ફરિયાદ નજીકના ભવિષ્યમાં નહીં રહે તેમ રાજકોટમાં કેન્દ્રીય રેલવે અને આઇટી પ્રધાન અશ્વિનીકુમાર વૈષ્ણવે કહ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે, રાજકોટને લાંબા અંતરની ટ્રેનો સાથે કનેક્ટ કરવાની ખૂબ રજૂઆતો આવે છે પણ હવે બે અઢી વર્ષમાં જ પોઇન્ટ ટુ પોઇન્ટ (એકથી બીજા શહેર ડાયરેક્ટ)અનેક નવી ટ્રેનો સરકાર શરૂ કરશે એનો લાભ રાજકોટને પણ મળશે એટલે સમસ્યા હલ થઇ જશે.

રાજકોટને સવારની માફક સાંજે પણ વંદે ભારત ટ્રેન આપવાની રજૂઆતના સંદર્ભમાં કહ્યું કે, હવે વંદે સ્લીપર અને વંદે મેટ્રો નામની બે ટ્રેનો સરકાર તૈયાર કરી રહી છે. ફેક્ટરીમાં અત્યારે વંદે મેટ્રો ટ્રેનનું કામકાજ પૂરજોશમાં ચાલુ છે અને આગામી જુલાઇ સુધીમાં વંદે મેટ્રો આવી જશે ત્યારે તે રીજનલ રેલ બનશે જે લોકલ છતાં ઝડપથી ડેસ્ટીનેશન પર પહોંચાડશે, અમદાવાદ અને રાજકોટને પણ આ ટ્રેન મળશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિકસિત ભારત 2047ના વિષય પર એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અશ્વિની વૈષ્ણવ સાથે ગોઠવવામાં આવ્યો હતો.

આ તકે તેમણે કહ્યું કે, ભારતીય રેલવેએ છેલ્લાં એક દાયકામાં જબરજસ્ત પ્રગતિ કરી છે તેના કારણે અત્યારે રોજ 15 કિલોમીટરની રેલવે લાઇન નંખાઇ રહી છે, એકસાથે 1320 જેટલા રેલવે સ્ટેશનનું નવીનીકરણ થઇ રહ્યું છે રાજકોટ જંકશન ઉપરાંત ભક્તિનગર, પડધરી અને વાંકાનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનો વિશ્વ કક્ષાના બનશે. ડિઝાઇનનું કામકાજ ચાલુ છે, દોઢેક મહિનામાં ડિઝાઇન બનીને તૈયાર થઇ જાય એટલે કામકાજ શરૂ કરવામાં આવશે.

અત્યારે અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું કામકાજ જોરશોરથી ચાલે છે ત્યારે એમાં સહભાગી થવા માટે ઉદ્યોગકારોને તેમણે આવકાર્યા હતા.

દેશમાં પાછલા દસ વર્ષમાં 5300 કિલોમીટરના નવા રેલવે ટ્રેક નાંખવામાં આવ્યા છે એમ કહેતા ઉમેર્યું કે, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ ડબલીંગ થઇ ગયું છે. રાજકોટ-કાનાલુસ ડબલીંગ થાય છે. મુંબઇ સાથે કનેક્ટિવીટી સુધરે તે માટે રાજકોટથી સીધું વડોદરા પહોંચી શકાય એ હેતુથી વાયા સાણંદનો રૂટ તૈયાર કરવાની મંજૂરી મળી ગઇ છે અને અત્યારે  જમીનનું અધિગ્રહણ ચાલી રહ્યું છે. આવો બીજો રૂટ લીમડી અને વડોદરા વચ્ચે પણ તૈયાર કરવાનું સરકારનું આયોજન છે. મુંબઇ-અમદાવાદ વચ્ચે નવા પ્રકારની ફેન્સીંગ લાગી રહી છે. એ લાગ્યા પછી પશુધનના અકસ્માતો નહીં થાય. આ મોડેલ પ્રોજેક્ટ હતો અને હવે અલગ અલગ લાઇનો પર ફેન્સીંગ લાગશે તેમ તેમણે કહ્યું હતુ.

--

રાજકોટથી અમદાવાદ માત્ર સવા ત્રણ કલાકમાં પહોંચાશે

રાજકોટથી અમદાવાદ પહોંચવા માટે સામાન્ય ટ્રેનોમાં સાડા ચારથી પાંચ કલાક વિતી જાય છે. વંદેભારત આવ્યા પછી આ સમયગાળો ત્રણ કલાકની આસપાસનો થઇ ગયો છે પણ હવે રેલવે ટ્રેકના આધુનિકરણ પછી ટ્રેનો 130ની ગતિથી દોડાવી શકાય એમ છે એટલે હવે અમદાવાદ-રાજકોટ વચ્ચેનું અંતર માત્ર બે થી સવા બે કલાકમાં કાપી શકાશે એટલે સરળતાથી આવન જાવન થઇ શકશે. એનાથી રાજકોટના અર્થતંત્રને ફાયદો મળશે તેમ અશ્વિની વૈષ્ણવે કહ્યું હતુ.

--

43 બીએચ મુદ્દે નાણાપ્રધાનને વાત કરીશ : અશ્વિનીકુમાર

રાજકોટમાં સ્પેર પાર્ટસના ઉત્પાદન માટે સરકાર ચર્ચા વિચારણા કરશે તેવું પત્રકારો સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, આયકરની કલમ 43 બી એચનો પ્રશ્ન વિકટ છે અને તે અંગે નાણાપ્રધાન સાથે વાતચીત કરીશ એ ઉપરાંત સાયબર ક્રાઇમ અટકાવવા માટે સરકાર ખૂબ કડક પગલા લેતા દોઢ કરોડ મોબાઇલ સિમ પકડીને નાશ કર્યો છે. રાજકોટ અને અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો નામની નવી ટ્રેન શરૂ થશે ત્યારે મળશે. ટ્રેનની સિંહ કચડાઇ જવાની ઘટનાઓ અટકાવવા માટે સરકારે ગતિ ઘટાડી છે અને ફેન્સીંગ પણ કરી છે. ગીરવિસ્તારમાં હવે એશિયાની ધરોહર ગણાતા સિંહનો વિશેષ ખ્યાલ રખાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024