• ગુરુવાર, 09 મે, 2024

વડોદરામાં ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચનાં મૃત્યુ

સાંકરદા ભાદરવા રોડ પર બાબરીના પ્રસંગ માટે મહેમાનો લઈને જતા ટેમ્પો સાથે ટેન્કરની ટક્કર : 28ને સારવારમાં ખસેડાયા

 

વડોદરા, તા.26: વડોદરાના સાંકરદા ભાદરવા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. બાબરીના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા મહેમાનોના ટેમ્પો અને ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માતમાં 28 લોકોને ઈજા પહોંચી હતી.

વિગતો મુજબ ભાદરવા પોલીસ મથકમાં જશપાલસિંહ રંગીજસિંહ રાજ (રહે.અડાસ, આણંદ)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના કાકાના દીકરી રામેશ્વરીબેનના સંતાન વંશરાજની બાબરીનો પ્રસંગ હોવાથી પરિવાર ટેમ્પોમાં બેસી નટવરનગર જવા રવાના થયા હતા. ટેમ્પોમાં 50 જેટલા મહેમાનો હતા.

આ દરમિયાન સાંકરદાથી ભાદરવા રોડ પર મોક્સી ગામની સીમ નજીક મઢી પાસે ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ટેન્કર ચાલક વાહનને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થયો હતો.

આ અકસ્માતમાં ગીરીશભાઈ રાજ (ઉ.વ.60), રમીલાબેન દિલીપભાઈ (ઉ.વ.30), કેસરબેન રણજીતસિંહ રાજ (ઉ.વ.54), શારદાબેન છત્રસિંહ રાજ (ઉ.65) અને સાકરબેન ડાયાભાઈ પરમાર (ઉ.વ.60)ના મૃત્યુ થયા હતા. ઘટનામાં 28 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે આ બનાવમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024