• રવિવાર, 05 મે, 2024

જસદણની કહોર કોલેજમાં પરીક્ષા વખતે મોબાઇલમાંથી રીલ્સ બનાવાઈ

સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ : પરીક્ષા ખંડમાં મોબાઇલ સાથે કોણ પહોંચ્યું ? ક્યારની ઘટના છે ? વગેરે બાબતે સૌરાષ્ટ્ર યુનિ.ની તપાસ

રાજકોટ, તા. 25 (ફૂલછાબ ન્યૂઝ) : પરીક્ષા નિર્વિવાદ પણે પૂરી થાય એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પડકાર બની ગયો છે. તાજેતરમાં બીસીએ સેમ 4ની પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયાની ઘટનાના પડઘા શમ્યા નથી ત્યારે જસદણની એમ ડી કહોર કોલેજમાં પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાંથી કોઈએ રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે.

આ રીલ્સમાં કોલેજનો પરીક્ષા ખંડ, બેન્ચ ઉપર પડેલી આન્સરશીટ અને કેટલાક વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ એકબીજા સાથે ટહેલતા વાતચીત કરતા અને પરીક્ષા આપતી વખતે વર્ગખંડમાં બેન્ચ પર મોબાઇલમાં પણ વાતચીત કરતા દેખાય છે.

પરીક્ષા ખંડમાં મોબાઇલ લઈ જવાની અનુમતી જ નથી તેમ છતાં આ રીલ ક્યારે, કોણે બનાવી ? તેને મોબાઇલ સાથે વર્ગખંડમાં જતા અટકાવાયા કેમ નહીં ? શું કોઈ વિદ્યાર્થી-પરીક્ષાર્થીએ જ આ રીલ બનાવી છે કે કેમ? જો એવું હોય તો સુપરવાઇઝર, ખંડ નિરિક્ષક શું કરતા હતા ? આ રીલ્સ કઈ પરીક્ષા વખતની છે ? રીલ વાયરલ થઈ છે તો પરીક્ષા દરમિયાન ચોરી થઈ છે કે નહીં ? વગેરે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં લેવામાં આવેલી સેમેસ્ટર ર અને 4ની પરીક્ષાની આ રીલ નથી પરંતુ જૂનો વીડિયો હોવાની સંભાવના છે. વધુમાં જાણવા મળ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ રીલ્સ અંતર્ગત કહોર કોલેજના સંચાલકો પાસે સીસીટીવી ફુટેજની હાર્ડ ડિસ્ક મગાવી છે. તેના આધારે આ ઘટના ક્યારે બની તેની તપાસ કરીને કોલેજ સામે પગલાં લેવામાં આવશે.

સમગ્ર ઘટના અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં જોડાણ વિભાગને પણ માહિતગાર કરાયા છે અને તેમને આ સંદર્ભે કાર્યવાહી કરવા પરીક્ષા વિભાગ તરફથી સૂચના આપવામાં આવશે.

એમ ડી કહોર કેન્દ્ર સંવેદનશીલ છે, અગાઉ પરીક્ષા કેન્દ્ર રદ કરાયું હતું

જસદણની એમ ડી કહોર કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લિસ્ટમાં સંવેદનશીલ કેન્દ્ર તરીકે નોંધાયેલું છે. પાંચેક વર્ષ પહેલા આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરાયું હતું. જોકે પાછળથી ક્યારે અને કયાં કારણે કોલેજને પરીક્ષા કેન્દ્ર તરીકે પુન: માન્યતા આપવામાં આવી તે સવાલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક