મુંબઈ, તા. 25 : ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ મામલે બોલીવૂડ અભિનેતા સંજય દત્તને સમન્સ મોકલ્યા બાદ મુંબઈ સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને પણ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
એક મીડિયા હેવાલ મુજબ, મહારાષ્ટ્ર સાયબર સેલે 2023માં મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ એપ મુદ્દે તમન્નાને 29 એપ્રિલે હાજર થવા જણાવ્યું છે. પોલીસ અભિનેત્રીને ફેયરપ્લે માટે કોણે સંપર્ક કર્યો અને તે માટે કેટલા નાણાં મળ્યા તે સહિતની પૂછપરછ કરશે.
જો કે, આ પહેલાં 23મીએ સંજય દત્તને પણ આ બાબતે સમન્સ મોકલાયું હતું, જેના જવાબમાં સંજયે જણાવ્યું હતું કે, તે હાલમાં મુંબઈથી બહાર છે અને પૂછપરછ માટે હાજર નહીં રહી શકે અને નવી તારીખ ફાળવવા માંગ કરી હતી. નોંધનીય છે કે, અગાઉ મહાદેવ એપ થકી ગેરકાયદે લેવડદેવડ અને સટ્ટાબાજીના મામલે ગાયક બાદશાહ, જેકલીન ફર્નાંડિસના મેનેજરના પણ નિવેદન લેવાયાં હતાં.