• બુધવાર, 08 મે, 2024

નિલેશ કુંભાણીની અંતે કોંગ્રેસમાંથી હકાલપટ્ટી

ચૂંટણીમાં સંપૂર્ણપણે નિષ્કાળજી તેમજ ભાજપ સાથે ‘મેળાપીપણું’ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસની શિસ્ત સમિતિએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા 

સુરત, તા. 26 : સુરત લોકસભા બેઠક ઉપર સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અંતે આ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે. કોંગ્રેસે કુંભાણીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ થયું ત્યારબાદ કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. શિસ્ત સમિતિએ ચૂંટણીમાં કુંભાણીની સંપૂર્ણપણે નિષ્કાળજી અને ભાજપ સાથે ‘મેળાપીપણું’ હોવાનું દૃશ્યમાન થતાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે આગામી તા.7મેના રોજ મતદાન થવાનું હતું તે પૂર્વે જ સૂરત લોકસભા બેઠક ઉપર હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતાં તેમજ અન્ય વિપક્ષોએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના   મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયાં હતાં. સુરત શહેરના 18.08 લાખ મતદારોના મતાધિકારનો છીનવામાં આવ્યાં બાદ કુંભાણી સામે લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો હતો અને કોંગી કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે જઈ હલ્લાબોલ કર્યો હતો અને તેમની વિરુદ્ધ પોસ્ટરો પણ લાગ્યાં હતાં.

દરમિયાન ગઈકાલે કુંભાણીના પત્ની મીડિયા સામે આવ્યાં બાદ કુંભાણી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે સંપર્ક હોવાનું જણાવ્યું હતું જો કે, આજે કોંગ્રેસે વિધિસર નિલેશ કુંભાણીની કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરીને તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલના નામાં આવેલા પત્રમાં કુંભાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, ચૂંટણીમાં નિલેશ કુંભાણીની નિષ્કાળજી સ્પષ્ટપણે સામે આવી છે તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું મેળાપીપણું હોવાની પરિસ્થિતિ પણ સ્પષ્ટ પણે દેખાઈ રહી છે તેમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તેઓ પૂરી સ્પષ્ટતા કરી શકે અને પોતાનો પક્ષ રજૂ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ તરફ જ્યારથી નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું ત્યારથી જ  તેમની રાજકીય પક્ષ ભાજપા સાથે પાછલા બારણે સાંઠગાંઠ હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. સતત સોશિયલ મીડિયામાં કુંભાણી ગમે ત્યારે ભાજપમાં જોડાશે તેવી વાતો ફેલાઈ રહી છે. એવામાં જ્યારે હવે કોંગ્રેસે નિલેશ માટેના દ્વાર બંધ કર્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે, ભાજપમાં તેમને પ્રવેશ મળે છે કે કેમ ?

 

ગાયબ’ કુંભાણી અચાનક પ્રગટ થયાં ! વિડીયોમાં કહ્યું હજુય કોંગ્રેસ સાથે છું

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભાણીની આજે પક્ષમાંથી છ વર્ષ માટે પાણીચું આપવામાં આવ્યા બાદ રાતોરાત ગાયબ થયેલા કોંગી નેતા નિલેશ કુંભાણી આજે એકાએક સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે પ્રગટ થયા હતા. જેમાં તેમણે કોંગ્રેસ સાથે આજે, કાલે અને સદાય હોવાની વાત કરી હતી. વીડિયોમાં તેમણે કોંગ્રેસ સ્થાનિક અને રાજ્યના કોંગી આગેવાનો સામે ચૂંટણી પ્રચારથી માંડી ઉમેદવારી પત્ર ભરવા સુધીના કાર્યક્રમોમાં કોઈ પ્રકારનો સાથ આપ્યો ન હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ કેટલાક સ્થાનિક અને રાજ્ય કક્ષાના કોંગી નેતાઓ જ તેમની ઉમેદવારીનો વિરોધ કરતા હોવાનો આક્ષેપ પણ કુંભાણીએ વીડિયોમાં કર્યો હતો. સુરતમાં ચૂંટણી પ્રચારમાં બૂથ રાખવાથી લઈને સભા યોજવાના કાર્યક્રમોમાં કેટલાક સ્થાનિક અને સૌરાષ્ટ્રવાસી કોંગી આગેવાનોનો સાથ મળ્યો ન હોવાનું ટાંક્યું હતું.

આપ છોડી ચૂકેલા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા આજે ભાજપમાં જોડાશે

આમ આદમી પાર્ટીને અલવિદા કરી ચૂકેલા યુવા નેતા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં વિધિવત પ્રવેશ કરશે તેવું સૂત્રો મારફત જાણવા મળ્યું છે. પાટીદાર અનામત આંદોલનથી ઉદય પામેલા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાને આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા હતાં જો કે, બન્ને ઉમેદવારો ભાજપના નેતાઓ સામે ભારે બહુમતીથી હાર્યા હતા. મીની બજારમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી બન્ને આગેવાનો કેસરિયા કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક