• શનિવાર, 27 એપ્રિલ, 2024

કપાસ મળતો નથી : સીસીઆઇનાં ખરીદ કેન્દ્રો ગુજરાતમાં મૃત:પ્રાય

કપાસ ટેકા સરેરાશ દોઢસો રૂપિયા ઊંચે ચાલ્યો જતા હવે મળવો મુશ્કેલ : 2.64 લાખ ગાંસડી ખરીદી

રાજકોટ, તા.27 (ફૂલછાબ ન્યૂઝ) : કપાસ મળવાનું બંધ થઈ જતા ગુજરાતમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ટેકાના ભાવની ખરીદી મૃત:પ્રાય થઈ ગઈ છે. કપાસના ભાવમાં પાછલા દોઢેક મહિનાથી તેજીભર્યો માહોલ છે એટલે સીસાઈનાં કેન્દ્રો પર કપાસની આવક જ ઠપ થઈ ચૂકી છે. ખેડૂતોને ખુલ્લા બજારમાં સારો ભાવ મળે છે એટલે હવે ટેકાના ભાવનો વિચાર સુધ્ધાં આવે તેમ નથી. જોકે ચાલુ સીઝનમાં સીસીઆઇએ ગુજરાતમાંથી કુલ મળીને 4.5 લાખ ક્વિન્ટલ અર્થાત્ 2,64,705 ગાંસડીની ખરીદી કરી છે.

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અમદાવાદ સ્થિત ગુજરાતની કચેરીના એક અધિકારીએ કહ્યું કે, કપાસનો ભાવ ટેકાનાં સ્તર રૂ. 1404નાં મથાળા આસપાસ પહોંચ્યો ત્યારે અમે વેગથી ખરીદી કરી હતી. સંસ્થાને અત્યાર સુધીમાં 2.64 લાખ ગાંસડી કરતા વધારે કપાસ મળ્યો છે. જોકે હવે ખરીદી ઠપ છે. તેમણે કહ્યું કે, અત્યારે માર્ચ અંતને લીધે માર્કેટિંગ યાર્ડ બંધ છે પણ કપાસ એ પૂર્વેથી અમને મળતો નથી. કપાસ બજારમાં સુધારો થવાને લીધે ખેડૂતો સીસીઆઇનાં કેન્દ્ર પર છેલ્લાં દોઢેક માસથી આવતા નથી. કપાસનો (જુઓ પાનું 10)

ટેકાનો ભાવ રૂ.1404 છે. તેની સામે બજારો બંધ થયા ત્યારે સીસીઆઇમાં મંજૂર થાય તેવો કપાસ ખુલ્લા બજારમાં રૂ. 1550-1600માં વેચાઈ રહ્યો હતો. વિદેશી બજારમાં ન્યૂયોર્ક કોટન એક્સચેન્જમાં રૂના ભાવમાં તેજી થવાને લીધે ઘરેલુ બજારમાં પણ ભાવ ઊંચકાઈ ગયા છે. જોકે કપાસનો ભાવ એક તબક્કે રૂ. 1650-1700 સુધી પહોંચ્યા પછી વિદેશી બજારમાં તેજી ન ટકતા પાછો પડયો છે છતાં ભાવ ટેકાથી ખાસ્સા ઊંચે છે.

આખા દેશમાંથી સીસીઆઈ દ્વારા કુલ મળીને 32.81 લાખ ગાંસડીની ખરીદી ટેકાના ભાવથી કરવામાં આવી છે. તેલંગણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ખરીદી થઈ શકી છે.

સીસીઆઇ દ્વારા ગયાં વર્ષમાં ખરીદી કરવામાં આવી ન હતી, કારણ કે ટેકાના ભાવથી ઉપર કપાસ વેંચાયો હતો. જોકે ચાલુ વર્ષે કપાસમાં સીઝનના આરંભે સારા ભાવ હતા પણ એ પછી ભાવ એકધારા ઘટયા હતા એટલે ખરીદી થઈ શકી છે.

ન્યૂયોર્કમાં કોટન વાયદામાં દોઢેક માસ પૂર્વે અફરાતફરી થતાં સ્થાનિક કપાસ બજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો હતો. ન્યૂયોર્ક કોટન એક્સચેન્જમાં ગાંસડી 82 સેન્ટથી ફટાફટ વધીને 104 સેન્ટ થઈ અને અત્યારે 91-82 સેન્ટ આસપાસ અથડાઈ રહી હોવાથી કિસાનોમાં નિરાશા છે.

ઇ-પેપરના નવા શુલ્ક