• શનિવાર, 27 એપ્રિલ, 2024

ક્ષત્રિય સમાજની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બદલ રૂપાલા સામે ગુનો નોંધો

ક્ષત્રિય ગિરાસદાર સેના દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનરને રજૂઆત : રૂપાલાએ માફી માગ્યા બાદ પણ વિવાદ વકર્યો

રાજકોટ તા.26 : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલા એક નવા વિવાદમાં સંપડાયાં છે તાજેતરમાં એક કાર્યક્રમમાં તેમણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં હવે તેમની સામે આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવા રાજકોટ ક્ષત્રિય ગિરાસદાર સેનાના હોદ્દેદારો દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને શહેર પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી છે. બીજી તરફ આ સમગ્ર પ્રકરણમાં રૂપાલાએ માફી માંગી લીધી છે તેમ છતાં આ વિવાદ યથાવત રહેતા રાજકોટના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

દરમિયાન આજરોજ ક્ષત્રિય ગિરાસદાર સેના દ્વારા પાઠવવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે, લોકસભા 2024ની ચૂંટણીના ભાજપના લોકસભા રાજકોટના ઉમેદવાર પરસોતમ રુપાલા દ્વારા કોમી, ધાર્મિક લાગણી દુભાવી અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. તેમનું એ ભાષણ બે કોમ વચ્ચે વૈમન્સ્ય ફેલાવનારુ અને સલામતી જોખમાય તે પ્રકારનું છે જેથી ક્ષત્રિય ગિરાસદાર સમાજની લાગણીને ઠેસ પહોંચી છે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, રૂપાલાએ રાજા-મહારાજાને ઉતારી પાડવાના ઉચ્ચારણો પણ કર્યા છે. જે કાર્યક્રમમાં તેમણે આવા વિવાદાસ્પદ શબ્દોના ઉચ્ચારણો કર્યા છે તે કાર્યક્રમની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ ? અને જો મંજૂરી લેવામાં આવી હોય તો આદર્શ આચારસંહિતાનો કડકાઈથી ચુસ્તપણે અમલ કરવાનો થાય છે. ભારતના ચૂંટણીપંચ તરફથી વીડિયોગ્રાફી પણ ઉતારવી ફરજિયાત છે

અને આ વીડિયોમાં કરેલા ઉચ્ચારણોને પગલે આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થાય છે.

અંતમાં તેમણે જણાવ્યું હતું કે, મદદનીશ ચૂંટણી અધિકારી આચારસંહિતાના અમલીકરણના અધિકારી, પોલીસ ઈન્સ્પેક્ટર અને ફરજ પરના પોલીસ અધિકારી, ચૂંટણી અધિકારીઓના નિવેદનો નોંધી પરષોતમ રૂપાલા સામે નિયમ મુજબ એફઆરઆઈ કરી ગુનો દાખલ કરવા અમારી અપીલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક