• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

વાવ-થરાદમાં ક્રૂર પિતાએ અઢી વર્ષના પુત્રને જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતો સળગાવ્યો

-પુત્રની હત્યાને છૂપાવવા લાશને દફનાવાઈ, મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ કરાતા ભાંડો ફૂટયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.14: બનાસકાંઠાના વાવ-થરાદ નજીક સુઈગામમાંથી કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ક્રૂર પિતાએ જ પોતાના અઢી વર્ષના માસૂમ પુત્ર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને સળગાવી દીધો હોવાનો ગંભીર આરોપ મૂકાયો છે. પિતાના આ પીશાચી કૃત્યને કારણે સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઈ છે.

આ ગોઝારી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે હોબાળો થયો હતો. ઘટનાનો વીડિયો સ્થાનિક લોકો અને પોલીસ સુધી પહોંચતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પિતાએ પુત્રની હત્યાને છૂપાવવા માટે લાશને દફનાવી દીધી હતી. જો કે વાવ અને માવસરી પોલીસે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટયો હતો. મામલતદાર અને એફએસએલની ટીમની હાજરીમાં જમીનમાં દફન કરવામાં આવેલા અઢી વર્ષના બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.  

પોલીસે આરોપી પિતા મનીષ પરમાર વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસ બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપીને વાવ-થરાદની સ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરી તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. 

જો કે  વકીલ અને તપાસ અધિકારીની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી પિતાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે ક્યા કારણથી બાળકની ક્રૂર હત્યા કરાઈ હતી અને તેને દફનાવવામાં કોઈ અન્ય શખસે સાથ આપ્યો હતો કે કેમ તે દિશામાં સઘન તપાસ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક