રાજ્ય સરકાર નવી નીતિ લાવવાની તૈયારીમાં, વધારાના બાંધકામનો પણ થશે સમાવેશ; જર્જરિત ફ્લેટના રીડેવલપમેન્ટનો માર્ગ મોકળો થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 13: રાજ્ય સરકાર
હાઉસિંગ બોર્ડના ફ્લેટધારકોને માલિકી હક આપવા માટે નવી નીતિ અમલમાં મૂકવાની તૈયારી
કરી રહી છે. આ નીતિ હેઠળ ફ્લેટધારકો જંત્રીના નિર્ધારિત ટકા મુજબની ફી ભરીને પોતાના
મકાનને ફ્રી હોલ્ડ કરાવી શકશે. આ પ્રક્રિયામાં ફ્લેટમાં કરવામાં આવેલા વધારાના બાંધકામનો
પણ સમાવેશ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી અમદાવાદ સહિત રાજ્યભરમાં હાઉસિંગ બોર્ડના
હજારો ફ્લેટધારકોને રાહત મળવાની શક્યતા છે.
રાજ્ય સરકારે અગાઉ સિંગલ ફ્લોર
અને ટેનામેન્ટ પ્રકારનાં હાઉસિંગ મકાનોને કુલ વિસ્તાર પ્રમાણે જંત્રીની રકમ ભરી ફ્રી
હોલ્ડ કરાવવાની નીતિ જાહેર કરી હતી. જોકે, આ નીતિને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો
નહોતો. હવે ફ્લેટધારકોની મુશ્કેલીઓ દૂર કરવા શહેરી વિકાસ વિભાગ નવી નીતિ તૈયાર કરવાની
દિશામાં આગળ વધી રહ્યો છે. હાલમાં અમદાવાદમાં અંદાજે એક લાખ અને સમગ્ર રાજ્યમાં પોણા
બે લાખ જેટલા હાઉસિંગ બોર્ડના ફ્લેટ હોવાનું અનુમાન છે. આ ફ્લેટોમાંથી અનેક મકાનો જર્જરિત
હાલતમાં છે. મોટાભાગના ફ્લેટધારકો મધ્યમ વર્ગના હોવાથી માલિકી હક મેળવવા માટે સરળ અને
વ્યવહારુ નીતિની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. નવી નીતિમાં ફ્લેટના મૂળ બાંધકામની સાથે કરવામાં
આવેલા વધારાના બાંધકામને પણ આવરી લેવાની જોગવાઈ થવાની શક્યતા છે. સરકાર દ્વારા નક્કી
કરવામાં આવતી ફી ભર્યા બાદ ફ્લેટને ફ્રી હોલ્ડ કરી કબજેદારને માલિકી હક આપવાનો માર્ગ
ખુલશે. ત્યારબાદ મકાનના દસ્તાવેજો પોતાના નામે કરાવવાની પ્રક્રિયા પણ સરળ બની શકશે.
જોકે, ફીનો ચોક્કસ દર, વધારાના બાંધકામ માટેની શરતો અને અન્ય નિયમો અંગે સરકારની સત્તાવાર
જાહેરાત બાદ જ સ્પષ્ટતા થશે.
હાઉસિંગ બોર્ડના અનેક ફ્લેટ વર્ષો
જૂના હોવાથી જર્જરિત બની ગયા છે. આવા મકાનોના રીડેવલપમેન્ટમાં માલિકી હક અને દસ્તાવેજોને
લગતી સમસ્યાઓ અડચણરૂપ બનતી હોય છે. ફ્લેટ ફ્રી હોલ્ડ થયા બાદ રીડેવલપમેન્ટની પ્રક્રિયા
સરળ બનવાની આશા છે. ફ્લેટધારકો બિલ્ડર સાથે મળીને પણ રીડેવલપમેન્ટની યોજના તૈયાર કરી
શકશે. આ વ્યવસ્થાથી જૂના અને જર્જરિત ફ્લેટને બદલે નવાં મકાનો બનાવવાનો માર્ગ મોકળો
થઈ શકે છે. જોકે, રીડેવલપમેન્ટ માટે લાગુ પડતી અન્ય કાયદાકીય અને તકનિકી મંજૂરીઓની
જરૂરિયાત યથાવત્ રહેશે.
હાઉસિંગ બોર્ડના ફ્લેટધારકો લાંબા
સમયથી માલિકી હક મેળવવા અને જર્જરિત મકાનોના પુનર્વિકાસ માટે નીતિની રાહ જોઈ રહ્યા
છે. રાજ્ય સરકાર દ્વારા નવી નીતિ અંગે કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાના અહેવાલો વચ્ચે
હવે તેની સત્તાવાર જાહેરાત ક્યારે થાય છે અને ફી સહિતની શરતો શું નક્કી થાય છે તેના
પર ફ્લેટધારકોની નજર ટકેલી છે.