• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

જેતપર ખેડૂત આંદોલનને દબાવવાના આક્ષેપ, સરપંચને ઉઉઘની કારણદર્શક નોટિસથી વિવાદ

સરપંચ હેતલબેન જાકાસણીયાને આજે મોરબી જિલ્લા પંચાયત કચેરીએ હાજર રહેવા ફરમાન; ખેડૂત આંદોલન સમિતિનું ખેડૂતોને એકત્ર થવા આહ્વાન

મોરબી, તા.13: વીજ થાંભલા અને વીજ વળતરના મુદ્દે જેતપર ગામે ખેડૂતોનું આંદોલન ચાર મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતો હોવાની નારાજગી વચ્ચે હવે આંદોલનને તોડવા અને આંદોલનકારીઓને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આંદોલન સાથે સક્રિય રીતે જોડાયેલા ઉમેશભાઈ જાકાસણીયાનાં પત્ની અને માળિયાના જૂના ઘાટીલા ગામનાં સરપંચ હેતલબેન જાકાસણીયાને મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતાં નવો વિવાદ ઊભો થયો છે.

મોરબી ડીડીઓ દ્વારા આપવામાં આવેલી કારણદર્શક નોટિસમાં જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયતને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે ફાળવવામાં આવેલા ટ્રેક્ટરનો ડિસેમ્બર   2025થી 14 ઓગસ્ટ 2026 સુધી ઉપયોગ કરવામાં આવ્યો નથી અને કચરાનું કલેક્શન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત, ગ્રામ પંચાયત હસ્તકનાં આચાર્ય ક્વાર્ટર, આઉટ પોસ્ટ મકાન, પંચાયત સ્ટોર રૂમ અને મંત્રી ક્વાર્ટરનાં મકાનો સક્ષમ સત્તાધિકારીની વહીવટી મંજૂરી મેળવ્યા વિના તોડી પાડવામાં આવ્યાં હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. નોટિસમાં આ બાબતોને ધ્યાને લઈને ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 57(1) હેઠળ શા માટે કાર્યવાહી ન કરવી તે અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. આ માટે હેતલબેન જાકાસણીયાને 14મીએ બુધવારે બપોરે 12 વાગ્યે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે રૂબરૂ સુનાવણી માટે હાજર રહેવા જણાવાયું છે.

ખેડૂત આંદોલન સાથે સક્રિય રીતે જોડાયેલા ઉમેશભાઈ જાકાસણીયાનાં પત્નીને નોટિસ પાઠવવામાં આવતાં આ સમગ્ર મામલાને લઈને સવાલો ઉઠયા છે. ખેડૂત આંદોલન સાથે જોડાયેલા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આંદોલનકારીઓને દબાવવા અને આંદોલનની ગતિને નબળી પાડવા માટે આવા પગલાં લેવામાં આવી રહ્યાં છે. જોકે, આ આક્ષેપો અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. આ ઘટનાને પગલે જેતપર ખેડૂત આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોને મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થવા અપીલ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક