- MSDCની બેઠકમાં નિર્ણય : માર્ચ-2027 સુધીમાં તમામ પોર્ટ
સાગર સેતુ સાથે જોડાશે
- બંદરોની દસ્તાવેજી પ્રક્રિયા, પોર્ટ ઓપરેશનની
પ્રક્રિયા, વિવિધ મંત્રાલયો-વિભાગો સાથે જોડાયેલી પ્રક્રિયાઓને સરળ અને એકરૂપ બનાવાશે
હૃષિકેશ
વ્યાસ
અમદાવાદ,
તા.14: મુંબઈમાં કેન્દ્રીય બંદર, શાપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં
બે દિવસિય 21મી મેરીટાઈમ સ્ટેટ ડેવલોપમેન્ટ
કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં કેન્દ્ર અને દરિયાકાંઠાના ગુજરાત સહિતના રાજ્યો વચ્ચે
દેશના તમામ બંદરોમાં પોર્ટ સંબંધિત પ્રક્રિયાઓને વધુ એકરૂપ અને પારદર્શક બનાવવાનો મહત્ત્વપૂર્ણ
નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં નક્કી કરાયું હતું કે, માર્ચ 2027 સુધીમાં ગુજરાત સહિત
દેશના તમામ બંદરોમાં વન નેશન, વન પોર્ટ પ્રોસેસ-ઓએનઓપી લાગુ કરવાની દિશામાં કાર્યવાહી
પૂર્ણ કરવામાં આવશે. આ અંતર્ગત બંદરોની દસ્તાવેજી પ્રક્રિયા, પોર્ટ ઓપરેશનની પ્રક્રિયા
અને વિવિધ મંત્રાલયો-વિભાગો સાથે જોડાયેલી પ્રક્રિયાઓને સરળ અને એકરૂપ બનાવવામાં આવશે.
એટલે કે, એક બંદરથી બીજા બંદરે માલ મોકલતા વેપારીઓ અને શાપિંગ કંપનીઓને અલગ-અલગ પ્રકારની
પ્રક્રિયાઓનો સામનો ન કરવો પડે તે દિશામાં મોટો સુધારો થશે. આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો
વેપારીઓ, આયાતકારો, નિકાસકારો અને શાપિંગ ઉદ્યોગને થશે. તમામ બંદરોને પોર્ટ ટેરિફ-ચાર્જની
માહિતી ઇલેક્ટ્રોનિક રીતે પ્રકાશિત કરવાની ફરજ પાડવામાં આવી છે પરિણામ સ્વરુપ, કયા
બંદરે કયા ચાર્જ લાગશે તેની માહિતી વધુ સરળતાથી ઉપલબ્ધ થશે.
અહીં
નોંધવું જરૂરી છે કે, હાલના આ નિર્ણયમાં દરેક રાજ્યના દરેક પોર્ટ ચાર્જનો દર શબ્દશ: એકસરખો કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.
પરંતુ ચાર્જની માહિતી જાહેર કરવાની રીત અને પોર્ટ પ્રક્રિયાઓમાં એકરૂપતા લાવવાથી રાજ્યવાર
પ્રક્રિયાત્મક તફાવત અને અનિશ્ચિતતા ઘટાડવાનો પ્રયાસ સ્પષ્ટ કરાયો છે. વન નેશન, વન
પોર્ટ પ્રોસેજરમાં માર્ચ-2027 સુધીમાં તમામ બંદરોને મેરીટાઈમ સીગલ વીન્ડો-સાગર સેતુ
સાથે ઇન્ટિગ્રેટ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આથી પોર્ટ સંબંધિત વિવિધ પ્રક્રિયાઓ એક
જ ડિજીટલ માધ્યમ પર લાવવાનો માર્ગ મોકળો થશે અને પોર્ટ પર કાગળ આધારિત તથા અલગ-અલગ
પ્રક્રિયાઓ ઘટાડવામાં મદદ મળશે.