• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ઉપલેટામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ અને દવાઓનો જથ્થો ફેંકાયો

ઉપલેટા, તા.12 : ઉપલેટામાં લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ગંભીર ચેડાં થતા હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નગરપાલિકાની હાલની કચરાની ડમ્પિંગ સાઇટ તેમજ મેઘવાળ સમાજ તરફ જવાના રસ્તા પર અને અન્ય ત્રણથી ચાર અલગ-અલગ જાહેર જગ્યાઓ પર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ અને એક્સપાયરી દવાઓનો જથ્થો ફેંકવામાં આવ્યો છે.

આ કચરામાં વપરાયેલી સિરિંજ, લોહીવાળું રૂ, પાટાપિંડીનો સામાન, પ્લાસ્ટિકની બોટલો અને અન્ય મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. નિયમ મુજબ આવા કચરાનો ઇન્સિનેટરમાં નાશ થવો જોઈએ, તેના બદલે તેને જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારી અંગે સ્થાનિક મીડિયા પ્રતિનિધિઓ દ્વારા સતત ત્રણથી ચાર દિવસ સુધી સઘન મોનિટારિંગ કરવામાં આવ્યું હતું. મીડિયા દ્વારા પીછો કરીને શહેરની અલગ-અલગ ત્રણથી ચાર જગ્યાઓ પર ફેંકવામાં આવેલા આ મેડિકલ વેસ્ટના જથ્થાનું ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી સાથેનું ઓપરેશન હાથ ધરીને નક્કર પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. આ મેડિકલ કચરાના કલેક્શન અને નિકાલમાં નગરપાલિકાના જ વાહનોનો ઉપયોગ થતો હોવાની બાબત સામે આવી છે. આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય વિભાગ અને પર્યાવરણ વિભાગ સહિતના સંબંધિત વિભાગોમાં એકત્રિત કરેલા આધાર-પુરાવાઓ સાથે ફરિયાદ કરવામાં આવી છે. લોકોના જીવ જોખમમાં મૂકતા આ કૌભાંડની તટસ્થ તપાસ થાય તેવી માગ ઊઠી છે.

ઇ-પેપરના નવા શુલ્ક