હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવના રોકાણનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો
ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ
કરાવવામાં ગુજરાત ટાઈટન્સના પૂર્વ મેનેજર સહિત ત્રણની શંકાસ્પદ ભૂમિકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ તા.12 : અમદાવાદમાં બીઝેડ
ગ્રુપની કથિત પોન્ઝી સ્કીમનો વિવાદ હવે ક્રિકેટ જગત સુધી પહોંચ્યો છે. ઊંચા વળતરની
લાલચ આપીને ભારતીય ક્રિકેટરો અને તેમના પરિવારજનો પાસેથી કરોડોનું રોકાણ કરાવ્યા બાદ
નાણાં પરત નહીં આપ્યાના આક્ષેપો સામે આવ્યા છે. હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત
યાદવ સાથે સંકળાયેલા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત થતાં કેસે નવો વળાંક લીધો છે.
ફરિયાદો છતાં કાર્યવાહી કરવામાં વિલંબ થતો હોવાના આક્ષેપો વચ્ચે હાઈકોર્ટે પોલીસ અને
સીઆઇડી ક્રાઈમની કામગીરી અંગે સવાલો ઉઠાવી, તપાસની પ્રગતિ તથા ધવલ શાહ સહિતનાં નામો
અંગે સ્પષ્ટતા માગી છે. હવે આગામી સુનાવણીમાં તપાસને લઈને શું વિગતો સામે આવે છે તેના
પર સૌની નજર રહેશે.
મળતી વિગતો અનુસાર, ક્રિકેટરો
અને તેમના પરિવારજનોને ઊંચું વળતર આપવાની લાલચ આપીને બીઝેડ ફાઇનાન્સિયલ સર્વિસિસમાં
કરોડોનું રોકાણ કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર વ્યવહારમાં ગુજરાત ટાઈટન્સના
પૂર્વ મેનેજર ધવલ શાહને મધ્યસ્થી બનાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
જોકે, કોણે કેટલી રકમનું રોકાણ કર્યું, કેટલું નુકસાન થયું અને દરેક વ્યક્તિની ચોક્કસ
ભૂમિકા શું હતી તે અંગેની વિગતોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
ક્રિકેટરો વતી ગુજરાત હાઈકોર્ટમાં
હાજર રહેલા એડવોકેટ કિશન ચકવાવાલાએ રજૂઆત કરી હતી કે બોડકદેવ પોલીસ સ્ટેશન સહિતના સંબંધિત
અધિકારીઓ સમક્ષ લેખિત ફરિયાદો કરવા છતાં યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં વિલંબ થઈ
રહ્યો છે. આ મામલે જવાબદારો સામે લાગુ પડતી ગુનાઇત કલમો હેઠળ નિષ્પક્ષ તપાસ કરવાની
માગ કરવામાં આવી છે.
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ
અને સીઆઇડી ક્રાઈમની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હોવાનું જણાવાય છે. અગાઉ પણ ફરિયાદો
અંગે ત્વરિત નિર્ણય લેવા પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો. હવે બીઝેડ ફાઇનાન્સિયલ સર્વિસિસ
સામે નોંધાયેલી ફરિયાદમાં ધવલ શાહ, પુનિતા શાહ અને વિરલ શાહને આરોપી તરીકે સામેલ કરવામાં
આવ્યા છે કે નહીં અને જો સામેલ ન કર્યા હોય તો તેના કારણો શું છે, તે અંગે કોર્ટે સીઆઇડી
ક્રાઈમ પાસે સ્પષ્ટતા માગી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
હાઈકોર્ટે તપાસની પ્રગતિ અંગે
માહિતી રજૂ કરવા અને સંબંધિત અધિકારીઓની હાજરી બાબતે સૂચનાઓ આપી હોવાનું જણાવાય છે.
આગામી સુનાવણીમાં તપાસની દિશા, ફરિયાદો પર લેવાયેલાં પગલાં અને સંભવિત જવાબદારોની ભૂમિકા
અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.