કિંજલ
રબારીએ હાઈકોર્ટ સમક્ષ વર્ચ્યુઅલ હાજર રહી અપહરણ નહીં થયાનું નિવેદન નોંધાવ્યું
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.9 : લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ પ્રકરણમાં મહત્વનો વળાંક આવ્યો છે. ગુજરાત
હાઈકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ પોતાનું અપહરણ નહીં થયું હોવાનું જણાવ્યું છે. કિંજલ રબારીના
પતિ અશોક ચૌધરીએ પણ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. અરજદાર તરફથી વકીલ હિતેશ
સંભાણીએ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. આ મામલે કિંજલના પતિ અશોક ચૌધરી સામે દાખલ થયેલી
અપહરણની પોલીસ ફરિયાદ શંકાસ્પદ હોવાનું સામે આવતા ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત આપી
છે. હાઈકોર્ટે અશોક ચૌધરીની ધરપકડ પર વચગાળાનો સ્ટે આપ્યો છે.
આ સમગ્ર
મામલો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કિંજલ રબારીના કથિત અપહરણથી ચર્ચામાં આવ્યો
હતો. ત્યાર બાદ પોલીસે સીસીટીવી સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરી હતી અને સમગ્ર
મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. કિંજલે પોતે આ મામલે વીડિયો જાહેર કરીને પોતાનું અપહરણ
થયું હોવાની વાતને નકારી હતી. કિંજલે જણાવ્યું હતું કે, તેઓ પોતાની મરજીથી અશોક ચૌધરી
સાથે ગઈ હતી. અહેવાલો મુજબ કિંજલે અશોક ચૌધરીને પોતે સંપર્ક કરીને બોલાવ્યા હતો અને
તેમની સાથે જવાની વાત કરી હતી.
કિંજલ
રબારી પોતાના પતિ અશોક ચૌધરી સાથે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વીડિયો કોલીંગ મારફતે ઉપસ્થિત
થયા હતા અને તમામ અફવાઓનો અંત લાવ્યો હતો. કિંજલે હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી સ્પષ્ટપણે
ખુલાસો કર્યો હતો કે તેમનું કોઈ અપહરણ થયું નથી. કોર્ટે જ્યારે પૂછ્યું કે તમને કોઈએ
કિડનેપ નથી કર્યા ને?, ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું કે, ના, મને કોઈએ કિડનેપ નથી
કરી, હું મારી પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે રહું છું. તેમના વકીલે કોર્ટને જણાવ્યું
હતું કે કિંજલ 24 વર્ષની પુખ્ત વયની છે અને તે પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે જ
રહેવા માગે છે.
આ સમગ્ર
પ્રકરણમાં કિંજલ રબારીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અગાઉ તેમને પરિવાર દ્વારા બળજબરીથી
પરત લઈ જવામાં આવ્યા હતા. તેમણે પોતાને ઘરમાં રાખવા અને પોતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન
કરાવાયા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે, આ આક્ષેપો અંગે અલગ-અલગ પક્ષોના નિવેદનો
સામે આવ્યા છે અને સમગ્ર ઘટનાક્રમને લઈને કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.