• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી : આજે મત ગણતરી

10 બેઠક બિનહરિફ: પાંચ બેઠક પર ચૂંટણી યોજાતા 21માંથી 20 મત પડયાં

રાજકોટ, તા.8 (ફૂલછાબ ન્યૂઝ) : સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓમાં ઉંચું નામ ધરાવતા રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે મંગળવારે મતદાન યોજાયું હતુ. જેમાં 5 બેઠકો માટે કુલ 99 ટકા મતદાન થયું હતું. 21 પૈકી 20 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી એટલા માટે મહત્ત્વની બની રહી હતી કારણકે ભાજપના ઉમેદવારો સામે ભાજપના જ ઉમેદવારો લડયા હતા. પ્રાદેશિક નેતાઓના બે જૂથો સામસામે હતા, અને હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આવતીકાલે પરિણામ જાહેર થશે.

સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું હતુ અને બપોરે 2 વાગ્યે પૂર્ણ થતાં કુલ 21માંથી 20 મત પડયા હતા. સંઘમાં કુલ 15 બેઠકો છે. એ પૈકી અગાઉ 10 બેઠક બિનહરિફ થઇ ચૂકી છે એટલે 5 બેઠકો માટે મતદાન યોજાયું હતું.

રાજકિય દૃષ્ટિકોણથી કુવાડવા જૂથ બેઠક અન માધાપર જૂથ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની છે. જેમા પૂર્વ મંત્રી અરાવિંદ રૈયાણી અને ભાજપના પીઢ નેતા ઘોઘુભા જાડેજાની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ઘોઘુભા જાડેજા સામે રાદડિયા જુથના મનાતા વિજય સખિયા મેદાને છે.  અરાવિંદ રૈયાણીની કુવાડવા જુથ બેઠકના મતદારો પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા. આ ચૂંટણી માટે ભાજપ દ્રારા વ્હિપ આપવામાં આવ્યો હતો. જો કે વ્હિપનો અનાદર કરીને ક્રોસ વાટિંગ થયાની પૂરી શક્યતા છે. 

મતદાન મથક પર સવારથી જ ભારે રાજકીય હલચલ અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. ચૂંટણીમાં બે મોટા પ્રાદેશિક નેતાઓના જૂથો એક તરફ જયેશ રાદડિયાનું જૂથ અને બીજી તરફ પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટનું જૂથ આમને-સામને આવ્યા છે. માહોલ અને ગતિવિધિઓ જોતાં જયેશ રાદડિયા જૂથનું વર્ચસ્વ રહેશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક