• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

વંદે માતરમ્ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગૃહમાં બેસી જતા વિવાદ !

ભાજપે દેશનું અપમાન ગણાવ્યું : ઈમરાન ખેડાવાલાનો બચાવ, કહ્યું ‘મહાત્મા ગાંધી વખતે જે ગીત ગવાતું હતું તે કડીઓમાં ઉભો હતો’

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.9 : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભે ‘વંદે માતરમ્’ ગાન વખતે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જતાં વિવાદ સર્જાયો છે. ભાજપે તેને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવી કોંગ્રેસ પાસેથી ખુલાસો માંગ્યો છે જ્યારે ખેડાવાલાએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી વખતે જે ગીત ગવાતું હતું તે કડીઓમાં તેઓ ઉભા હતા અને પછી બેસી ગયા, જે તેમનો અંગત મંતવ્ય છે.

મહત્વનું છે કે,આજથી ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતો. દિલ્હી સંસદથી લઈને ગુજરાત વિધાનસભા સુધી એવી પ્રણાલી રહી છે કે સત્રની શરૂઆત રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ’થી કરવામાં આવે છે. પરંતુ, આજે સત્રની શરૂઆતમાં જ્યારે ‘વંદે માતરમ’ની ધૂન વાગી ત્યારે જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોતાની જગ્યા પર ઊભા થયા અને બે કડીના ગાન બાદ બેસી ગયા હતા. જ્યારે કોંગ્રેસના અન્ય તમામ ધારાસભ્યોએ ઊભા થઈને વંદે માતરમ ગાન ગાયું હતું.

ભાજપે આ ઘટનાને રાષ્ટ્રીય ગીતનું સીધું અપમાન ગણાવી આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ પાર્ટી પાસે સ્પષ્ટતાની માંગ કરી હતી  કે ‘વંદે માતરમ’ વખતે બેસી જવું એ ઈમરાન ખેડાવાલાનું વ્યક્તિગત વલણ છે કે પછી પાર્ટીનું સ્ટેન્ડ છે? વધુમાં  ધારાસભ્યએ તાત્કાલિક દેશની માફી માંગવી જોઈએએવી માંગણી પણ કરી હતી.  વિવાદ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાના વર્તનનો બચાવ કરતા જણાવ્યું  કે, હું વંદે માતરમના ગાન સમયે માનપૂર્વક ઊભો હતો અને પછી જેટલી કડીઓ જરૂરી હતી તે દરમિયાન હું ઉભો રહ્યો અને પછી હું બેસી ગયો. આ મારો વ્યક્તિગત અંગત મંતવ્ય છે.

સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાને ચોમાસુ સત્રમાં ન બનવા જેવી ઘટના ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ વિધાનસભાની શરૂઆતથી વંદે માતરમ ગાન સાથે સત્રની શરૂઆત કરવાની પરંપરા રહી છે.ત્યારે આવી ઘટનાથી રાજ્યમાં ખોટો સંદેશ જાય છે અને હવે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું પડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક