• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

લાઠીના ‘તાજપર’ ગામના હાથ બનાવટના ગોદડાની માગ : સાત દેશોમાં બોલબાલા

સોશિયલ મીડિયાના માધ્યમથી હાથ બનાવટના ગોદડા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન પહોંચ્યા

મિલાપ રૂપારેલ

અમરેલી, તા.29: હંમેશા કામનું કૌશલ્ય અને હુન્નર પોતાની આગવી ઓળખ ઊભી કરતું હોય છે. ત્યારે અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ખોબા જેવડા ગામ ‘તાજપર’ ગામની હાથ બનાવટના ગોદડાની માંગ સાત દેશોમાં બોલબાલા થઈ છે. ઇન્ટરનેટ વિહોણા ગામ તાજપર ગામમાં સોશિયલ મિડીયાના માધ્યમથી વિદેશમાં ગોદડાનો વ્યવસાય વિકસાવીને આ હાથ બનાવટના ગોદડા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન પહોંચ્યા છે.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના તાજપર ગામની વસ્તી 1200 લોકોની છે. પણ તાજપર ગામે શિયાળામાં રાહત આપતા ગોદડાએ તેમની વિદેશમાં નવી ઓળખ ઊભી કરી છે. અત્યાર સુધીમાં 600થી પણ વધુ ગોદડાઓ  વિદેશમાં વેચાયા છે.

ગુજરાતમાં એક ગોદડાની કિંમત આશરે રૂ.1800 રાખવામાં આવે છે, જ્યારે ગુજરાત બહાર ભારતના અન્ય વિસ્તારોમાં તેની કિંમત આશરે રૂ.2200 સુધી રહે છે. વિદેશમાં પણ ગોદડાની મૂળ કિંમત આશરે રૂ.1800 છે, જ્યારે તેને વિદેશ મોકલવા માટેનો કુરિયર ખર્ચ અલગથી રહે છે.

એક ગોદડું તૈયાર કરવા માટે આશરે 5 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. કાપડની ગુણવત્તા પ્રમાણે તેની કિંમત પ્રતિ મીટર આશરે રૂપિયા 55 થી રૂપિયા 140 સુધી રહે છે. ગોદડાની અંદર સૂતી કોટન રૂ તથા પોલ  કોટનનો ઉપયોગ કરવામાં આવે છે. ગોદડાની ડિઝાઇન, કાપડની પસંદગી, રૂ નું ભરાણ અને સિવણ આ તમામ પ્રક્રિયામાં મહિલાઓની મહેનત જોડાયેલી છે. એક ગોદડા પાછળ આશરે રૂપિયા 300 મજૂરી પણ ચૂકવવામાં આવે છે. દરરોજ આશરે 15 જેટલા ગોદડાનું કામ અને વેચાણ થાય છે. મહિનામાં આશરે 400થી 600 ગોદડાનું વેચાણ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક