• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

નીરજા ગુપ્તા સામેના આક્ષેપોની તપાસ કરશે હાઈકોર્ટના નિવૃત્ત જજની સમિતિ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિના ભરતી કૌભાંડથી PMJVK ગ્રાન્ટના ઉપયોગ સુધીની તપાસનો ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.29 : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી કથિત ગેરરીતિઓ અને નાણાકીય અનિયમિતતાઓના આક્ષેપોની હવે તપાસ થશે. આ માટે યુનિવર્સિટીએ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ ડી. એમ. વ્યાસની અધ્યક્ષતામાં એક સભ્યીય તપાસ સમિતિની રચના કરી છે.

યુનિવર્સિટી સત્તાધીશોના જણાવ્યા મુજબ, સમિતિ પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન થયેલી વિવિધ બાબતોની તપાસ કરશે. તેમાં ભરતી પ્રક્રિયામાં થયેલા કથિત કૌભાંડ, પીએમજેવીકે ગ્રાન્ટના ઉપયોગમાં થયેલી ગેરરીતિ, નાણાકીય વ્યવહારો અને યુનિવર્સિટીના ભંડોળના સંભવિત ગેરઉપયોગનો સમાવેશ થાય છે. ઉપરાંત સત્તાના દુરુપયોગ અને નિયમોનું પાલન કર્યા વિના થયેલી કથિત નિમણૂકોની પણ તપાસ કરવામાં આવશે. સમિતિ સંબંધિત દસ્તાવેજો, નાણાકીય રેકોર્ડ, વહીવટી નિર્ણયો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલાની તપાસ કરશે.

યુનિવર્સિટીને કોઈ નાણાકીય નુકસાન થયું છે કે નહીં અને જો નુકસાન થયું હોય તો તેની જવાબદારી કોની છે, તે પણ તપાસનો મહત્ત્વનો મુદ્દો રહેશે. દરમિયાન, અગાઉ સિન્ડિકેટ કમિટીએ તૈયાર કરેલા રિપોર્ટના આધારે કાયદાકીય નિષ્ણાતો સાથે ચર્ચા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઇન્ચાર્જ કુલપતિના જણાવ્યા મુજબ, નીરજા ગુપ્તા તરફથી આક્ષેપો અંગે યુનિવર્સિટીને હજુ સુધી કોઈ સત્તાવાર લેખિત ખુલાસો મળ્યો નથી. સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનોને સત્તાવાર જવાબ ગણવામાં આવશે નહીં. સમિતિ ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે. ત્યારબાદ રિપોર્ટના આધારે યુનિવર્સિટી આગળની કાર્યવાહી કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક