• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

અમદાવાદમાં મલાલાના પુસ્તક વાંચનનો વિરોધ : બજરંગદળનું મહિલાઓ સાથે ગેરવર્તન

મહિલાઓને વાળ ખેંચી માર માર્યાનો આક્ષેપ : રાયોટીંગનો ગુનો નોંધાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.28: અમદાવાદના વસ્ત્રાપુરમાં મલાલા યુસુફઝાઈના પુસ્તકનું વાંચન કરી રહેલા યુવક-યુવતીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. બજરંગદળના કાર્યકરો દ્વારા પુસ્તકનું વાંચન કરી રહેલા લોકો સાથે ગેરવર્તણૂક કરીને કાયદો હાથમાં લીધો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પુસ્તક વાંચવા એકત્ર થયેલી મહિલાઓના વાળ ખેંચી માર માર્યાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે રાયાટિંગનો ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.  જાણવા મળતી વિગત મુજબ જયકુમાર નટવરલાલ ઠક્કર (રહે. શ્યામલ ચાર રસ્તા, સેટેલાઈ, અમદાવાદ)એ વસ્ત્રાપુર પલીસ મથકે બજરંગદળના કાર્યકરો દ્વારા પુસ્તક વાંચન દરમિયાન કેટલાક શખશોએ ધાકધમકી આપી મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગુરુવારે સાંજે કાસા વ્યોમા સામે આવેલા ઔડા ગાર્નમાં તેઓ 18-20 જેટલા યુવક-યુવતીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પુસ્તક વાંચવા એકત્ર થયા હતા. આઈ એમ મલાલા પુસ્તકનું વાંચન કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઘસી આવેલા ટોળાએ યુવતીઓના વાળ ખેંચી માર માર્યો હતો. 

ભગવા રંગના ખેસ પહેરેલા લોકો પોતાના હાથમાં લાકડાના દંડા તથા લાકડીઓ લઈને આવ્યા હતા. જેમાં તેમના આગેવાને પોતાનું નામ હિરેન રબારી જણાવ્યું હતું. હિરેન સાથે આવેલા શખસોએ જય ઠક્કર, સ્નેહ ભાવસાર અને સાવન જાલરિયા તેમજ શશીકુમારનાને દંડા વડે માર માર્યો હતો અને હવે પછી પુસ્તક વાંચસો તો જોઈ લેવાની ધમકી આપી ટોળું ત્યાંથી જતું રહ્યું હતું. મલાલાના પુસ્તકના વાંચન મુદ્દે થયેલી બબાલ મામલે વસ્ત્રાપુર પોલીસે બજરંગદળના નામનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો અને નામજોગ નહીં પરંતુ માત્ર ટોળા સામે રાયાટિંગની ફરિયાદ નોંધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક