• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

બોટાદમાં કચરાના ઢગલામાંથી સળગેલું મૃત નવજાત શિશુ મળ્યું

પોલીસે સોનાવાલા અને ભાવનગર સર ટી. હોસ્પિટલ મારફતે પીએમ કરાવવાની તજવીજ

બોટાદ, તા.6ઃબોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં ગુરુવારે સવારે માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. કચરાના ઢગલામાં સળગેલી હાલતમાં તાજા જન્મેલા નવજાત મૃતશિશુ મળી આવતા સમગ્ર શહેરમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગુરુવારે સવારે આશરે 8 વાગ્યે કાદર શેઠની વાડી વિસ્તારમાંથી પસાર થતાં સ્થાનિક લોકોને કચરાના ઢગલામાંથી ધુમાડો અને દુર્ગંધ આવતાં શંકા ગઈ હતી. નજીક જઈને તપાસ કરતા કચરા વચ્ચે સળગેલી હાલતમાં નવજાત શિશુ જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં કોઈ અજાણી સ્ત્રીએ તાજા જન્મેલા શિશુને કચરામાં ફેંકી સળગાવી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    ઘટનાની જાણ થતાં બોટાદ શહેર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતશિશુનો કબજો મેળવી પંચનામું કર્યું હતું. સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પ્રથમ બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડÎ હતો અને ત્યારબાદ વધુ પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ શિશુનું લિંગ, જન્મ બાદ મૃત્યુ થયું હતું કે સળગાવવાથી મૃત્યુ થયું તે કારણો સ્પષ્ટ થશે. સમગ્ર મામલે પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ પુરાવાના આધારે તપાસ તેજ કરી છે, જ્યારે સ્થાનિક લોકોમાં કલંકિત ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક