• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ખાલી જગ્યાઓ કરતા અનેકગણા ઉમેદવાર શિક્ષકોને બોલાવાતા વિરોધ

જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 5 : અમદાવાદમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવાર શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અમદાવાદ જિલ્લા તાલીમ ભવન ખાતે ભરતી માટે આવેલા ઉમેદવારોએ હોબાળો મચાવી શિક્ષણ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો.

ભરતી સંબંધિત સ્પષ્ટ માહિતી ન મળતા અને ખાલી જગ્યાઓ કરતાં અનેકગણા ઉમેદવારોને કાઉન્સાલિંગ માટે બોલાવવામાં આવ્યા હોવાના આક્ષેપોને કારણે સમગ્ર વાતાવરણ તંગ બન્યું હતું. જિલ્લા તાલીમ ભવન ખાતે ઉમેદવારોએ શિક્ષણ વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી યોગ્ય અને ન્યાયસંગત ભરતી પ્રક્રિયા અમલમાં મૂકવાની માગ કરી છે.

 સામાજિક વિજ્ઞાન વિષયમાં માત્ર 36 જગ્યાઓ હોવા છતાં આશરે 350 ઉમેદવારને કાઉન્સાલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. આ જ રીતે ગુજરાતી વિષયમાં માત્ર 3 જગ્યાઓ સામે લગભગ 80 ઉમેદવારને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. ઉમેદવારોએ આ પ્રક્રિયાને અવ્યવસ્થિત ગણાવી પ્રશ્નો ઉઠાવ્યા છે.

ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે ઇતિહાસ વિષયમાં કોઈ ખાલી જગ્યા ઉપલબ્ધ ન હોવા છતાં 26 ઉમેદવારને કાઉન્સાલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. જેનાં કારણે ઉમેદવારોમાં ભારે ગૂંચવણ સર્જાઈ હતી. ઘણા ઉમેદવારોએ દૂરદૂરથી અમદાવાદ આવી સમય અને ખર્ચ બગાડવાનો વારો આવ્યો હોવાની ફરિયાદ કરી હતી.

વિરોધ દરમિયાન ઉમેદવારોએ જ્ઞાન સહાયકોની તાત્કાલિક નહીં પરંતુ કાયમી ભરતી કરવાની માગ પણ ઉઠાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક