હવામાન
વિભાગની આગાહી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 5: હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે
સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 5.8 કિ.મી. ઉપર અપર એર સર્ક્યુલેશન
ઓછું થતા 11 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં માત્ર હળવાથી
મધ્યમ વરસાદી ઝાપટાં જ જોવા મળશે.
સૌરાષ્ટ્ર
અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે અને માત્ર છૂટાછવાયા હળવા ઝાપટાં
પડે તેવી શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, અને વડોદરા જેવા ઉત્તર તથા મધ્ય ગુજરાતના શહેરોમાં
વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત,
નવસારી અને વલસાડના કિનારાના વિસ્તારોમાં મધ્યમ વરસાદી રાઉન્ડ ચાલુ રહી શકે છે. વરસાદનું
પ્રમાણ ઘટતાની સાથે જ ગાંધીનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં ઉછાળો નોંધાયો
છે અને બફારાનું પ્રમાણ વધ્યું છે. સમુદ્રમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી દરિયાકાંઠે
માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાનમાં આજે કુલ 55 તાલુકાઓમાં
એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો.