રાજકોટમાં 25 કિલો એનાલોગ પનીર ઝડપાયું, જામનગર-અમરેલીમાં પણ ચેકિંગ હાથ ધરીને બિનઆરોગ્યપદ જથ્થાનો નાશ કરાયો
સરકારે મૂકેલા પ્રતિબંધ બાદ ત્વરિત પગલા
રાજકોટ, તા.6 ઃ ગુજરાતમાં ‘એનાલોગ’ પનીર, ચીઝ અને બટરના વેચાણ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેની અમલવારીના ભાગરૂપે આજરોજ સૌરાષ્ટ્રમાં ફૂડ શાખાની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. રાજકોટ મનપાની ફૂડ અને આરોગ્ય શાખાની ટીમ દ્વારા શહેરભરમાં દરોડા પાડીને સપાટો બોલાવ્યો હતો. શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી કોર્પોરેશને અગાઉ સીલ કરેલા ‘ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસ’ નામના એકમમાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી હતી અને અહીંથી 25 કિલો જેટલા અખાદ્ય પનીરનો નાશ કરીને 3 નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલ્યાં હતાં. જામનગર અને અમરેલીમાં પણ ફૂડ શાખાની ટીમે બિનઆરોગ્યપ્રદ જથ્થો જપ્ત કર્યો હતો.
મહારાષ્ટ્રની જેમજ ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીરના ઉપયોગ અને વેચાણ ઉપર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજરોજ રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ સવારથી જ શહેરના જુદા-જુદા ઝોનમાં ચેકિંગ ડ્રાઈવ અર્થે ઉતરી હતી જેમાં લાતી પ્લોટ શેરી નં.4 ખાતે આવેલું ‘ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસ’ નામનું એકમ કે જે અગાઉ કોર્પોરેશને સીલ કર્યુ હતું તે સીલ ફરી ખૂલી જતાં અને ત્યાંથી એનલોગ પનીરનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવતાં ટીમે સ્થળ ઉપર જઈ દરોડા પાડÎાં હતાં.
દરોડા બાદ પેઢીના માલિકે ફૂડ શાખાના અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે, તે જૂનાગઢથી જથ્થાબંધ એનાલોગ પનીર લાવી રાજકોટ ખાતે એફએસએસઆઈના સ્ટીકર અને પેકીંગ કરીને દરરોજ આશરે 25 કિલો જેટલું એનાલોગ પનીર રૂ.450ના કિલોના ભાવે સ્થાનિક કક્ષાએ વેચતા હતા. ઉલ્લેખનીય છે કે, ફૂડ વિભાગની ટીમ જ્યારે દરોડા માટે પહોચી ત્યારે શરૂઆતમાં પેઢી બંધ હોવાનું નાટક કરીને અંદરથી દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. માલિકના સ્થાને કર્મચારીને આગળ કરવામાં આવ્યો હતો જો કે બાદમાં મૂળ માલિકે અંદર જઈને સમજાવટથી મામલો થાળે પાડÎો હતો. હાલ એકત્રિત કરાયેલા નમૂના લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં છે જેનો રિપોર્ટ આવ્યાં બાદ સબંધિત એકમ સામે ધોરણસરની કાર્યવાહી કરાશે.
જામનગર-અમરેલીમાં પણ દરોડા
જામનગર, અમરેલી તા.6 ઃ રાજ્ય સરકારના આદેશને પગલે જામનગર અને અમરેલીમાં પણ ફૂડ શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. જામનગરમાં એક પીઝા પાર્લરમાંથી 12.50 કિલો ગ્રામ એનાલોગ ચીઝ મળી આવતાં તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર જાસોલિયાએ જણાવ્યું હતું કે, હોટલ, ફાસ્ટફૂડ, રેસ્ટોરન્ટના સંચાલકોને એનાલોગ પનીરના ઉપયોગ ન કરવા તાકિદ કરાઈ છે. અમરેલીમાં ડો.જીવરાજ મહેતા ચોક વિસ્તારમાં આવેલી ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જો કે ક્યાયથી પણ શંકાસ્પદ કે પ્રતિબંધિત એનાલોગ પનીર કે અન્ય ડેરી ઉત્પાદનો મળ્યાં ન હતાં પરંતુ વેપારીઓમાં ફફડાટ અચૂક જોવા મળ્યો હતો. પોરબંદર મનપાએ પણ એનોલોગ પનીરનું વેચાણ ન કરવા વેપારીઓને કડક સૂચના આપી છે.