નવી દિલ્હી, તા. 6 ઃ ભારત અને મ્યાંમાર વચ્ચે સરહદ રેખા નક્કી કરવાનો વર્ષોથી પડતર રહેલો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ શકે છે. અહેવાલો મુજબ, બંને દેશો એવી જમીનની અદલાબદલી કરવા પર વિચાર કરી રહ્યા છે, જેની સરહદ હજુ સુધી નક્કી થઈ શકી નથી. નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, સરહદ પર કેટલાક એવા વિસ્તારો છે જે ઉકેલવાના બાકી છે અને તે હિસ્સાઓ પર હાલ વાતચીત ચાલી રહી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મણિપુર સરહદે જમીનની અદલાબદલી અંગેના અહેવાલોની સીધી પુષ્ટિ કરી નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, સરહદના વણઉકેલાયેલા વિસ્તારોના ઉકેલ માટે વાતચીત ચાલુ છે. તેમની આ ટિપ્પણી અમેરિકન મેગેઝિન ‘ધ ડિપ્લોમેટ’ના રિપોર્ટ બાદ આવી છે.
17 જુલાઈના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત સરકાર મણિપુર સરહદ પર આવેલ બોર્ડર પિલર 65 અને 68 વચ્ચે સીમા નક્કી કરવા માટે આશરે 1.4 ચોરસ માઈલ જમીનની અદલાબદલીના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ બંને પિલર વચ્ચેનું અંતર આશરે 2.8 કિલોમીટર જેટલું છે.
ભારત અને મ્યાંમાર વચ્ચે કુલ 1,643 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાંથી પસાર થાય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સરહદમાંથી આશરે 1,472 કિલોમીટર હિસ્સો બોર્ડર પિલર દ્વારા નક્કી થઈ ચૂક્યો છે, જ્યારે 171 કિલોમીટર હિસ્સો હજુ પણ વણઉકેલાયેલો છે. આ વિવાદ મુખ્યત્વે અરુણાચલ પ્રદેશના લોહિત સેક્ટર અને મણિપુરની કાબાવ ઘાટીમાં છે. બંને દેશો વચ્ચે વર્તમાન સરહદ 1967ના દ્વિપક્ષીય કરાર હેઠળ નક્કી થઈ હતી.
અહેવાલ મુજબ, આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય હેતુ સરહદ નક્કી કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવીને સમગ્ર સીમા પર ફેન્સિંગ (તારની વાડ) કરવાનો છે, જેનાથી ઘૂસણખોરી, ગેરકાયદેસર સ્થળાંતર, ઉગ્રવાદીઓની અવરજવર અને સરહદ પારના ગુનાઓને રોકી શકાશે.
આ પ્રસ્તાવ સામે મણિપુરમાં વિરોધના સૂર ઊઠ્યા છે. મૈતેઇ નાગરિક સંગઠનોના સંયુક્ત મંચ ‘કો-ઓર્ડિનાટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રિટી’એ ભારત સરકારને ચેતવણી આપી છે કે, રાજ્યની જમીનનો એક નાનો ટુકડો પણ મ્યાંમારને સોંપવામાં ન આવે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે, મણિપુરની પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં. જો મણિપુરના લોકોની સંમતિ વિના આ પ્રસ્તાવ લાગુ કરવામાં આવશે, તો રાજ્યભરમાં ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.