• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, આરોગ્ય વિભાગનો ઐતિહાસિક નિર્ણય

મહારાષ્ટ્રની તર્જ પર લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 5: ગુજરાતમાં જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતની સુરક્ષા માટે રાજ્ય સરકારે એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેતા અસલી પનીરના નામે વેચાતા ભેળસેળિયા અને બિન-ધોરણસરના ‘એનાલોગ પનીર’ તેમજ તેના જેવા ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. 

મહારાષ્ટ્ર રાજ્યની તર્જ પર લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું અગ્રણી ડેરી રાજ્ય હોવાથી લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી ગુણવત્તાયુક્ત ઉત્પાદનો લોકો સુધી પહોંચે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી દૂધના બદલે વનસ્પતિ તેલ અને અન્ય બિન-ડેરી ઘટકોમાંથી બનેલા ઉત્પાદનોને પનીર તરીકે રજૂ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા, જેનાથી અસલી ડેરી ઉત્પાદકોને મોટું નુકસાન થતું હતું અને ખાદ્ય સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલા સેમ્પાલિંગ અને લેબોરેટરી પરીક્ષણમાં આવા બિન-ધોરણો વાળા ઉત્પાદનો સામે આવ્યા બાદ સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે કોઈ પણ વ્યક્તિ કે ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધનો ભંગ કરશે તેની સામે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સને માત્ર અસલી અને ધોરણ મુજબનું પનીર જ વાપરવાની અપીલ કરતા સરકારે ‘શુદ્ધ ખોરાક  સુરક્ષિત ગ્રાહક સ્વસ્થ ગુજરાત’ના સંકલ્પ સાથે નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક