• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

ખાંડમાં સ્ટોક મર્યાદા છતાં તેજી ! નિયંત્રણો બેઅસર

4 હજાર ક્વિન્ટલ જથ્થો અને દિવસોની મર્યાદા ઘટાડવાની આવશ્યકતા: સપ્તાહમાં કિલોએ રૂ. 2 વધી ગયા

રાજકોટ,તા.1 : (ફૂલછાબ ન્યૂઝ) ખાંડના બેકાબૂ બનતા જતા ભાવને રોકવા માટે સરકારે સ્ટોક મર્યાદા લગાવી છે પણ તે બે અસર છે કારણકે ખાંડની તેજી અટકતી નથી. કેન્દ્રએ ચાલુ સપ્તાહે સોમવારે સ્ટોક મર્યાદા લાગુ કરી જેનો અમલ શનિવારથી થયો પણ ખાંડનો ભાવ એ પછી પણ કિલોએ રૂ. 1 વધી ગયો છે. ચાલુ વર્ષે નબળા ઉત્પાદનની શક્યતા, નિકાસ અને ઇથેનોલ તરફ શેરડી વળવાને લીધે અછતના ભયથી ખાંડ રૂ. 6થી 7 રૂપિયા મોંઘી થઇ ગઇ છે. પાછલા દસ જ દિવસમાં રૂ. 2 વધી ચૂક્યાં છે.

ખાંડમાં તેજીને લીધે રિટેઇલ બજારમાં રૂ. 50-51માં ખાંડ મળી રહી છે. ગયા વર્ષ કરતા રૂ. 6થી 7 મોંઘી છે. એનાથી સૌનું ધ્યાન આ મીઠાશ તરફ ખેંચાયું છે. ખાંડની અછત નહીં થાય તેવું સરકાર વારંવાર જાહેર કરી રહી છે પણ બજારને ભરોસો નથી એટલે ભાવ ઉંચકાતા જાય છે.

28 જુલાઇએ કેન્દ્ર સરકારે સ્ટોક મર્યાદા લાગુ કરી છે. એ પ્રમાણે કોઇપણ વેપારી કે ડિલર કોઇપણ સ્થળે 4 હજાર ક્વીન્ટલથી વધારે ખાંડનો જથ્થો રાખી શકશે નહીં. એ ઉપરાંત મર્યાદામાં સ્ટોક પ્રાપ્ત કર્યા પછી 30 દિવસમાં તે વાપરી નાંખવાનો રહેશે. દર સપ્તાહ સરકારી પોર્ટલ પર તેની વિગતો આપવાની છે. જોકે સરકારના આ નિર્ણય બેઅસર છે.

ખાંડના એક જથ્થાબંધ વેપારી કહે છેકે, ખરેખર તો સરકારે 30 દિવસમાં ક્લિયરન્સનો નિયમ રાખ્યો છે તે હજુ ઘટાડવાની જરુર છે. એ ઉપરાંત 4 હજાર ક્વીન્ટલનો પુરવઠો પણ ઘણો વધારે ગણાય તેટલો છે કારણકે આવડો સ્ટોક અત્યારે તેજીના સમયમાં કોઇ વેપારી રાખી શકે તેમ નથી.ખાંડના ભાવ કાબૂ કરવા હોય તો મોટાં નિર્ણય સરકારે લેવા પડે તેમ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતુ.

અલનીનોને લીધે નબળું ચોમાસું અને શેરડીનું ઉત્પાદન ઘટવાની ચિંતા છે. બીજી તરફ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ઓછી ઇન્વેન્ટરીને લીધે પણ ખાંડના ભાવમાં સૌને તેજી દેખાય રહી છે. જોકે એમાં મધ્યમ વર્ગનું ખર્ચ બિલ વધી ગયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક