• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી અને બોટાદમાં આજે રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં અત્યાર સુધી 64.76 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં 30 ડેમ હાઇ એલર્ટ પર, વિવિધ જિલ્લાઓમાંથી 9680 લોકોનું રેસ્ક્યૂ કરાયું

અમારા પ્રતિનિધિ તરફથી,

અમદાવાદ, તા.1 : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ધમાકેદાર બાટિંગ કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે આજે 247 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેલ માર્ક લો-પ્રેશર સિસ્ટમ રાજસ્થાન તરફ ખસી રહી હોવાથી આવતીકાલથી વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે.

ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ અને ભરૂચ અને અમરેલી, જામનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

આજે અમદાવાદમાં બોડકદેવ અને બોપલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહન વ્યવહારને અસર પહોંચી હતી. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 64.76 ટકા નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35 ટકા વરસાદ થયો છે. ભારે વરસાદથી જળાશયોમાં પણ પાણીની આવક વધી છે. સરદાર સરોવર ડેમમાં 75 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. વરસાદી પરિસ્થિતિને કારણે રાજ્યમાં 30 ડેમ હાઇ એલર્ટ પર છે. અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાંથી 9680 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યારે 32 સ્ટેટ હાઇવે હજુ પણ બંધ છે. પ્રશાસન દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક