• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

ભારે વરસાદને લીધે આનંદ સાથે ઉપાધિ, રાહત સાથે આહતની સ્થિતિ

-અનેક ગામડાઓ સંપર્ક વિહોણાઃ  મોરબીમાં જુદા જુદા  રસ્તા બંધ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ઘરવખરી, દુકાનનો માલસામાન પલળી ગયો

-વાંકાનેરનો રાજકોટ સાથેનો સંપર્ક તુટÎ જસદણમાં 70 લોકોનું સ્થળાંતર

 

રાજકોટ, તા. 1 સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી તરસી ધરા તૃપ્ત થઈ રહી છે. વરસાદ તમામ વર્ગ માટે આવકારદાયક છે, પરંતુ જે વિસ્તારમાં ભારે અને તોફાની વરસાદ વરસ્યો છે, ત્યાં આનંદ સાથે ઉપાધિ અને રાહત સાથે આહતની સ્થિતિ પણ જોવા મળી છે. ખાસ કરીને મોરબી, વાંકાનેર, બોટાદ, પોરબંદર સહિતના પંથકમાં ભારે વરસાદે વધતે-ઓછે અંશે નુકસાની પણ કરી છે. જ્યારે કેટલાક ગામડા સંપર્ક વિહોણા થયા છે.

રાજકોટ રાજકોટના જસદણમાં ભાદર નદીના સ્તરમાં સતત વધારો થતા કિનારે રહેતા 70 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામા આવ્યા હતા. તેમના માટે ભોજન-પાણીની વ્યવસ્થા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કરવમા આવી હતી.

મોરબી હળવદ તાલુકામાં હળવદ-સરા રોડ પર મોટું વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર બંધ થયો હતો. નેશનલ હાઈવેથી રવાપર નદી તરફ જતા માર્ગ પર વીજપોલ ધરાશાયી થતાં રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. મોરબી-ધરમપુર-સાદુળકા રોડ તથા આંદેરડા-વાંકડા રોડ, માળિયા તાલુકામાં એન.એચ. માળિયા એપ્રોચ રોડ તેમજ વાંકાનેર તાલુકામાં જાલી  દેરાળા-રાજસ્થળી રોડ, કાછિયાગાડા-ગાગિયાવાદર-રાજસ્થળી રોડ અને લુણસર-રાજસ્થળી રોડ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. રણછોડ નગર 1ની શેરી નંબર 2 માં આવેલા અનેક રહેણાક મકાનોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ને ઘરોની અંદર ઘૂસી જવાને કારણે અનાજ, ઘરવખરી અને કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે. મહેન્દ્રનગર રોડ પર ગોપાલ સોસાયટીના નાકે  ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વાંકાનેર વાંકાનેર પંથકમાં વરસાદને કારણે કુવાડવા રોડ પર ખીજડિયા ગામના બોર્ડ પાસે આસોઈ નદી પર જુનો કોઝ વે બંધ થતા સમગ્ર વાહનવ્યવહાર ઠપ થયો છે. સાથે વાંકાનેરનો રાજકોટ સાથેનો સંપર્ક પણ તુટી ગયો હતો. તંત્રએ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. વાંકાનેરમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થયું હતું. પાલિકાએ ત્વરીત કામગીરીથી રસ્તો પૂર્વવત્ કરાવ્યો હતો.

જામનગર જામનગરમાં રાતથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે ન્યૂ સ્કૂલ પાસે મેઇન રોડ પર એક ઝાડ ધરાશાયી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર અવરોધાયો હતો. જોકે, તે સમયે રસ્તા પરથી કોઈ વાહન કે રાહદારી પસાર થતાં જાનહાનિ કે ઈજા થવાની ઘટના ટળી હતી.

 બોટાદ બોટાદમા સારંગપુર-લાઠીદડ રોડ પર બોક્સ કલ્વર્ટના સમારકામ દરમિયાન વરસાદી પાણીના વધેલા પ્રવાહથી ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત બનતા માર્ગ બંધ કરાયો હતો. અને વૈકલ્પિક રૂટ પરથી પરિવહન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી. સાથે અણીયાળી કસ્બાતી-કેરીયા માર્ગ પર ચાર વીજપોલ ધરાશાયી થયા હતા. આથી વીજપુરવઠો ઠપ થયો હતો. જોકે તંત્ર દ્વારા સમારકામ કરી લેવાયું હતું.

પોરબંદર અતિવૃષ્ટિને કારણે ઘેડ પંથકમાં કડછથી અમીપુર જતો રસ્તો, મંડેરથી ઘેડબગસરા જતો રસ્તો, ભડ ગામે ટાંકથી ભાદરપુલ તરફ જતો રસ્તો, ભડથી ચીકાસા જતો રસ્તો બંધ કરાયો હતો.

લીલિયા મોટા નાના લીલીયા ગામે વરસાદને કારણે એક ખેડૂતનો પશુ શેડ ધરાશાયી થયો હતો. મિનિ ટ્રેક્ટર કાટમાળ નીચે આવી જતા નુકસાન થયું હતું.

રાણપુર રાણપુરમાં ઈદગા મસ્જિદ પાસે રહેતા ધીરુભાઈ દેસરભાઈ ભોજવીયા (..50)નું મકાન ધરાશાયી થતા તેમને કમરના ભાગે ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મોરબીના બંગાવડીનું બેઠું પુલિયું ધોવાઈ જતા ગામ સંપર્ક વિહોણું

બંગાવડી ગામનું બેઠું પુલિયું ધોવાઈ જવાની ઘટના સામે આવી છે. પુલિયાનું ભારે ધોવાણ થતાં બંગાવડી ગામથી રોડ ઉપર જવાનો સીધો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છેકેટલાય સમયથી અહીં પુલિયાનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું હતું, જેનું પરિણામ સામે આવ્યું છે અને બંગાવડી ગામ અન્ય વિસ્તારોથી સંપર્ક વિહોણું બન્યું છે. મુખ્ય માર્ગ બંધ થઈ જવાના કારણે હવે બંગાવડી ગામમાં આવવા અને જવા માટે સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકોને નેશડા અને દેવળિયા થઈને લાંબો ચક્કર કાપવા માટે મજબૂર થવું પડÎું છે.

જૂના ઘાંટીલા ગામે ઢોર ચરાવવા ગયેલા માલધારીનું તણાઈ જતા મૃત્યુ

માળિયા મિંયાણાના જુના ઘાંટીલા ગામમાં ઢોર ચરાવવા ગયેલા એક વ્યક્તિનું પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે. ગેલાભાઈ નોંધાભાઈ નામની વ્યક્તિ આજે સાંજે ઢોર ચરાવવા ગયા હતા. સમયે ડેરીયારીના નાલા પાસે તેઓ અચાનક પાણીમાં તણાઈ ગયા હતા. પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ જવાથી ડૂબી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પશુપાલકના આકસ્મિક મૃત્યુથી પરિવાર તેમજ સમગ્રં પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ છે.

કેરાળા ગામે પૂરમાં ફસાયેલા પરિવારને તંત્રએ બચાવ્યો

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે વઢવાણ તાલુકાના કેરાળા ગામે નદીના પાણીમાં એક પરિવાર ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ પાણીમાં ફસાયેલા એક પુરુષ, એક મહિલા અને એક બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક