• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

મેઘમહેરથી મોરબીના ડેમ માલેતુજાર : સૌરાષ્ટ્રના જળાશયોમાં વિપુલ જળરાશિ ઠલવાઈ

આજી-2, ભાદર-2 ડેમ છલકાયા : ભાદર-1માં આવક ચાલુ

મોરબીનો બ્રાહ્મણી-1 છલકાયો, ધોડાધ્રોઈ 97 ટકા ભરાયો, મચ્છુ-1 37 ટકા ભરાયો : મચ્છુ-3ના 7  દરવાજા 8 ફૂટ ખોલાયા

રાજકોટ, તા.1: સૌરાષ્ટ્રમાં શુક્રવાર રાતથી પડી રહેલા સાર્વત્રિક વરસાદનાં પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 13થી વધુ ડેમોમાં નવાનીરની આવક થઈ છે. આ વરસાદને કારણે રાજકોટનું લાલપરી તળાવ છલકાયું છે. ઉપરાંત મચ્છુ-3, ઘોડાધ્રોઈ, ભાદર-2 ડેમો ઓવરફલો થયા છે. રાજકોટ સહિત આસપાસના પંથકને પાણી પૂરું પાડતા ભાદર-1માં પણ નવું પાણી આવ્યું છે. આજી-ર ડેમના 3 દરવાજા 0.225 મીટર ખોલવામા આવ્યા હતા.

આ સાથે શનિવારે બપોર સુધીની સ્થિતિએ પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર-2 ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો હતો. પડધરી તાલુકાના ખોડપીપર ડેમ 80 ટકા ભરાઈ ગયો હતો.

રાજકોટ જિલ્લાનાં ભાદર ઉપરાંત આજી-1માં 0.16, છાપરવાડીમાં 0.33, ઈશ્વરિયામાં અને કરમીવમાં પોણો ફૂટ આવક થઈ હતી. સુરેન્દ્રનગરનો ધોળીધજા, નાયકા, વાસણ ડેમ છલકાયા હતા.

મોરબી : મોરબીમાં ભારે વરસાદને પગલે જિલ્લાના ડેમોમાં નવા નીરની જંગી આવક થઈ રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા તારીખ 1 ઓગસ્ટ ના રોજ સાંજે 6 વાગ્યા સુધીની સ્થિતિ એ બ્રાહ્મણી-1 ડેમ 100 ટકા ભરાયો છે અને 3441 ક્યુસેક આવક સામે 3441 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. ઘોડાધ્રોઈ ડેમ 97 ટકા ભરાયો છે. બ્રાહ્મણી-2 ડેમ 57.32 ટકા ભરાયો છે. ડેમી-3 ડેમના તમામ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. મચ્છુ-1 ડેમ36.61 ટકા ભરાયો છે, 4322.2 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. મચ્છુ-2 ડેમમાંથી નદીમા પાણી છોડવામા આવી રહ્યું છે. મચ્છુ-3 ડેમના 7 દરવાજા 8 ફૂટ ખોલીને 46873 ક્યુસેક પાણી નદીના પટમાં છોડવામા આવી રહ્યું છે.

જામનગર :  જિલ્લાના 25 મુખ્ય જળાશયોમાં કુલ 1510.32 એમસીએફટી પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 11.51 ટકા જેટલો થાય છે. તેમાં ઉમિયાસાગર ડેમ 54.69 ટકા, બાલંભડી ડેમ 41.26 ટકા, પન્ના ડેમ 40.17 ટકા, ઉંડ-4 ડેમ 38.79 ટકા અને રણજીત સાગર ડેમ 26.13 ટકા ભરાયેલા છે. જ્યારે ફુલઝર (ઊંઇ) ડેમ 33.50 ટકા ભરાયેલો છે.

અમરેલી : અમરેલી જિલ્લામાં સતત છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે તથા જળસંગ્રહમાં થયેલા વધારાને પગલે અમરેલી નજીક આવેલ ઠેબી ડેમનું જળસ્તર નિર્ધારિત સપાટીએ જાળવવા માટે તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 0.3 મીટર સુધી ખોલી નિયંત્રિત રીતે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બોટાદ : બોટાદ જિલ્લામાં સતત વરસાદને પગલે ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી શનિવારે સવારે 6:55 કલાકથી એક દરવાજો 45 સેમી ખોલી 1730 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા, બરવાળા, ખમીદાણા, જુના નાવડા, નવા નાવડા અને વાઢેલા ગામોના નાગરિકોને ખાસ સાવચેત રહેવા જણાવાયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક