- હવે બરતરફ નહીં પરંતુ ‘સસ્પેન્ડ’ ગણાશે, ભથ્થું ચૂકવવા પણ આદેશ : રાજકોટ મનપાને નોટીસ
અમદાવાદ, તા.31: રાજકોટના બહુચર્ચિત
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના બે આસિસ્ટન્ટ
ટાઉન પ્લાનરને વચગાળાની રાહત આપી છે. હાઈકોર્ટે મુકેશ રામજીભાઈ મકવાણા અને રાજેશ નરાસિંહભાઈ
મકવાણાની બરતરફી સામેના આદેશ પર સ્ટે મૂક્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, અંતિમ
નિર્ણય ન આવે ત્યાં સુધી બંને અધિકારીઓને બરતરફ નહીં પરંતુ સસ્પેન્ડ ગણવામાં આવશે અને
તેમને નિયમ મુજબનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે રાજકોટ મહાનગરપાલિકાને
નોટિસ પાઠવવામાં આવી છે અને વધુ સુનાવણી આગામી 7 ઓગસ્ટે રાખવામાં આવી છે.
32થી વધુ લોકોના મૃત્યુ નિપજાવનાર
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં મનપાના અધિકારીઓ સહિત 16 લોકો સામે ફોજદારી
કાર્યવાહી ચાલી રહી છે. હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો અરજી દરમિયાન મનપાએ 8 જુલાઈએ
ફાયર ઓફિસર સહિત પાંચ અધિકારીઓને બરતરફ કરાયા હોવાની માહિતી રજૂ કરી હતી. આ નિર્ણયને
પડકારતા બંને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારો તરફથી
દલીલ કરવામાં આવી હતી કે, તેમની સામે કરવામાં આવેલી ખાતાકીય તપાસમાં ગંભીર ખામીઓ રહી
છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું નથી. અરજદારોનો દાવો હતો કે,
તપાસનો અંતિમ અહેવાલ તેમને આપવામાં આવ્યો નહોતો, જેના કારણે પોતાનો પક્ષ અસરકારક રીતે
રજૂ કરવાની તક મળી નહોતી.
જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે
બંને પક્ષોની દલીલો અને રેકોર્ડનો અભ્યાસ કર્યા બાદ નોંધ્યું કે, પ્રથમદર્શી રીતે અરજદારોની
રજૂઆતમાં તથ્ય જણાઈ રહ્યું છે. કોર્ટે જણાવ્યું કે, તપાસ અહેવાલ આપ્યા વિના બરતરફીનો
આદેશ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે જણાય છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોના
ભંગનો મુદ્દો બની શકે છે. આ કેસમાં વધુ વિગતવાર સુનાવણી જરૂરી હોવાનું માનતા હાઈકોર્ટે
બંને અધિકારીઓની બરતરફી પર વચગાળાનો સ્ટે આપ્યો છે.
હાઈકોર્ટના આદેશ મુજબ હવે બંને
આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરોને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી સસ્પેન્ડેડ સ્થિતિમાં ગણવામાં
આવશે. તેમને નિયમ મુજબના ભથ્થાં પણ ચૂકવવાના રહેશે. આ મામલે રાજકોટ મહાનગરપાલિકાનો
જવાબ માગવામાં આવ્યો છે અને આગામી સુનાવણીમાં સમગ્ર મામલે વધુ ચર્ચા કરવામાં આવશે.