સૌરાષ્ટ્રમાં 1 થી 10 ઈંચ ઃ સૌથી વધુ વરસાદમાં મોરબી પાણી-પાણી ઃ ખેતી માટે કાચુ સોનુ વરસ્યું
રાજકોટ, તા.1 ઃ રાજ્યભરમાં મેઘરાજાએ ફરી જોર પકડતા અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ભારે વરસાદવાળા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિતની સમસ્યાઓ સર્જાઈ છે. રાજ્યના અનેક ડેમ, નદી અને તળાવોમાં નવા પાણીની આવક થઈ છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહીને પગલે આગામી દિવસો માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. મોરબી શહેરમાં 10 ઈંચ જેટલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હળવદ, વાંકાનેર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પ્રભાવિત થયા હતા. સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. રાજકોટ જિલ્લામાં ધોરાજી, જસદણ, ગોંડલ સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેતીને ફાયદો થયો છે. જસદણમાં ભાદર નદીના પાણી વધતા કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં નદી-તળાવોમાં પાણીની આવક વધી છે, જ્યારે બોટાદમાં ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં વરસાદી પાણીની સમસ્યા યથાવત રહી છે. ખાડી અને નદીના જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાયા છે. સુરત ફાયર વિભાગે કીમ નદી વિસ્તારમાં ફસાયેલા 125 લોકોને
બચાવ્યા હતા. વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઘરો, દુકાનો અને રસ્તાઓને અસર પહોંચી છે. ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મોરબીમાં ભારે વરસાદથી રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ અને દુકાનોના માલસામાનને નુકસાન થયું છે. કેટલાક સ્થળોએ રસ્તાઓ ધોવાઈ જતા વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. અમરેલીમાં ભારે વરસાદના કારણે એક પશુ શેડ ધરાશાયી થતા ટ્રેક્ટરને નુકસાન થયું હતું. અનેક ગામોમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ નોંધાયા છે. ભારે વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને જરૂરી સહાય આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.