સારો પાક છતાં ભાવમાં તેજીને લીધે આવકમાં બમ્પર ઉછાળો : નાળિયેર ઉત્પાદકોને ફાયદો
રાજકોટ,તા.31:ભાવનગર જિલ્લાનું
મહુવા શહેર અને તેનો સમગ્ર પંથક નાળિયેરના ઉત્પાદન માટે જાણીતો છે. જેના લીધે જ મહુવા
એક માત્ર યાર્ડ છે. જ્યા સૂકા નાળિયેર એટકે કે શ્રીફળની હરાજી કરવામાં આવે છે. હાલમાં
નાળિયેરની સીઝન છે અને પાક પર સારો હોવાથી યાર્ડમાં ચિક્કાર આવક થઈ રહી છે. રોજની એક
લાખ નંગ નાળિયેરની આવક નોંધાઈ છે. મહુવાના નાળિયેરની સ્થાનિક જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં
પણ ભારે માગ રહે છે. ખેડૂતોને ભાવ પણ સારો પ્રાપ્ત થાય છે.
મહુવા માર્કેટ યાર્ડના સુત્રોના
જણાવ્યા મુજબ હાલમાં નાળિયેરની આવકની સીઝન ચાલી રહી છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી
ભાવમાં આવેલો સુધારો ખેડૂતો આકર્ષતા યાર્ડમાં ચિક્કાર આવક છે. જૂલાઈ મહિનાની શરૂઆતમાં નાળિયેરનો ભાવ પ્રતિ નંગ
રૂ. 20-22 ચાલતો હતો. જોકે મહિનાના છેલ્લા સપ્તાહમાં ભાવ વધીને 32-35 સુધી પહોંચી ગયો
હતો. આમ ભાવમાં 12-15નો ઉછાળો નોંધાતા ઉંચા ભાવ મળવાની આશાએ નાળિયેર ઉત્પાદકોમાં સારો
નફો મળવાની આશાએ વેચવાલી વધી હતી. ગત તા. 27ના 1,02,383 નંગ સૂકા નાળિયેરની આવક થઈ
હતી. જેમાં ભાવ પ્રતિ નંગ રૂ. 3.60-30.42 હતા.
જ્યારે બીજા દિવસે એટલે કે તા. 28ના પણ 1,08,393 નંગની બમ્પર આવક થતા રૂ. 2.75-36.06માં
હરાજી થઈ હતી.
નાળિયેરનું વાવેતર તળાજા, કોડીનાર,
સોમનાથ અને ઉના પંથકમાં દરિયાઈ પટીમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. હાલમાં આવકની
સીઝન ચાલતી હોવાથી ફટાફટ નાળિયેરીમાંથી ઉતરી રહ્યા છે. ભાવમાં તેજીનો કરંટ હોવાથી પણ
આવકમાં ઉછાળો નોંધાયો છે. મહુવા માર્કેટ યાર્ડમાં 90 ટકા સ્થાનિક આવક થઈ રહી છે. જ્યારે
દક્ષિણના રાજ્યમાંથી પણ થોડી આવક થાય છે.
આગામી દિવસોમાં શ્રાવણ મહિનો
આવી રહ્યો હોવાથી તહેવારોની માગને ધ્યાને લઈ શ્રીફળની લેવાલી વધી છે. મહુવાથી સૌરાષ્ટ્ર
સહિત ગુજરાતભરના શહેરોમાં નાળિયેર પહોંચી રહ્યા છે.