ખાડીપૂરની હેટ્રિક, 5500થી વધુ લોકોનું સ્થળાંતર; ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી
સુરત, તા.1 : દક્ષિણ ગુજરાતમાં
વરસાદની તીવ્રતા ઘટી છે, પરંતુ પૂર અને પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત્ છે. સુરતમાં
એક મહિનામાં ત્રણ વખત ખાડીપૂરની સ્થિતિ સર્જાતા લોકોની મુશ્કેલી વધી છે. હીરાનગરી સુરતમાં
આ સીઝનમાં અત્યાર સુધીમાં 60 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે સુરત,
નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લા yમાં જનજીવન પર અસર પડી છે. સુરત શહેરમાં મીઠીખાડી,
ભેદવાડ ખાડી અને સીમાડા ખાડીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
શહેરમાંથી 4000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઓલપાડ અને માંગરોળ વિસ્તારમાં
કીમ નદીમાં પાણીની આવક વધતા ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાં ભારે
વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અહીં 1500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં
આવ્યું છે. વરસાદી પાણી ઓસરતા હવે સફાઈ, દવા છંટકાવ અને પીવાના પાણીના સ્ત્રોતોના ક્લોરીનેશનની
કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક
વધી છે. ડેમમાં 4.89 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેના કારણે તંત્ર દ્વારા સતત
સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કીમ નદી કાંઠાના ગામોમાં ફસાયેલા 125 લોકોને સુરત
ફાયર વિભાગની ટીમોએ રેસ્ક્યૂ કરી સલામત સ્થળે પહોંચાડયા હતા. તંત્ર દ્વારા રાહત અને
બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
કિમ નદી કિનારાના ગામોમાંથી
125 ફસાયેલાને બચાવાયા
સુરત જિલ્લામાં કીમ વિસ્તારના
અનેક ગામોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન 112 ઇમરજન્સી સેવા
મારફતે ફાયર કંટ્રોલ રૂમને માહિતી પ્રાપ્ત થઈ કે કીમ નજીકના વિવિધ ગામોમાં અનેક નાગરિકો
પાણીમાં ફસાયા હતા. સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા સુરત શહેર
હદ વિસ્તારમાં પહેલેથી તૈનાત 16 રેસ્ક્યુ ટીમો ઉપરાંત, શહેરની બહાર મદદ માટે ઇમરજન્સી
રિસ્પોન્સ સેન્ટર, કામરેજ ખાતેની વિશેષ રેસ્ક્યૂ ટીમને તાત્કાલિક કીમ તરફ રવાના કરવામાં
આવી હતી. બચાવ કામગીરી દરમિયાન અંદાજે 125 જેટલા નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ
કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તમામ બચાવાયેલા લોકોને સનરાઈઝ સ્કૂલ, કોસંબા
ખાતે કાર્યરત રિલીફ સેન્ટરમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા.