(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.30: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઈથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી 24 કેરેટનું
શુદ્ધ સોનું પકડાયું છે. મહિલા પર શંકા જતાં કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ
(એટીયુ) દ્વારા તેની અટકાયત કરીને તલાશી લેતા સોનું મળી આવ્યું હતું.
એર
ઈન્ટેલિજન્સ યુનિટની તપાસ દરમિયાન મહિલા મુસાફર પાસેથી 240.830 ગ્રામ વજન ધરાવતું
24 કેરેટનું શુદ્ધ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાં સોનાના દાગીનામાં ચાર બંગડી
અને પેન્ડન્ટ સાથેની સોનાની ચેઇનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત
રૂ.35.49 લાખથી પણ વધુ આંકવામાં આવી છે. મહિલા કસ્ટમ્સ અધિકારીઓ સામે સોના અંગેના કોઈ
પણ માન્ય કે કાયદેસરના દસ્તાવેજો રજૂ કરી શકી ન હતી. મહિલા દ્વારા આ સોનું કોના માટે
લાવવામાં આવ્યું હતું? અને આ દાણચોરી પાછળ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ કાર્યરત
છે કે કેમ? તે દિશામાં કસ્ટમ્સ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, બે દિવસ
પહેલા દુબઇથી જ આવેલી એક મહિલા રૂ.35 લાખથી વધુના 270 ગ્રામ સોનાની પેસ્ટ સાથે પકડાઇ
હતી.