સુપ્રીમનો કેન્દ્ર સરકારને આકરો સવાલ : સરકારે કહ્યું, સંસદનાં વિવેક સામે સવાલ ન ઉઠાવી શકાય
નવીદિલ્હી,તા.31:
મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) અને ચૂંટણી કમિશનરો(ઈસી)ની પસંદગી પ્રક્રિયા સામે સર્વોચ્ચ
અદાલત દ્વારા ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ તરફથી આનાં માટે સ્વતંત્ર
અને નિષ્પક્ષ પ્રક્રિયાની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. અદાલતે કહ્યું હતું
કે, ચૂંટણીપંચે ફક્ત સ્વતંત્ર રીતે કામ જ નથી કરવાનું બલ્કે તેને આવી રીતે જ કામ થતું
હોવાનું પ્રસ્થાપિત પણ કરવાનું છે. આ સાથે જ શીર્ષ અદાલતે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો
કે, સંસદે કાયદો બનાવતી વખતે પસંદગી સમિતિમાં ભારતનાં પ્રમુખ ન્યાયધીશ (સીજેઆઈ)ને આમાંથી
બાકાત રાખવાનો નિર્ણય શા માટે કર્યો? જેનો જવાબ આપતી વખતે સરકારે અદાલત સામે પલટવાર
પણ કર્યો હતો.
જસ્ટિસ
દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની પીઠે કહ્યું હતું કે, સીબીઆઈનાં વડા અને
લોકપાલની પસંદગી સમિતિમાં સીજેઆઈ સામેલ હોય છે તો પછી સીઈસીની પસંદગી પ્રક્રિયામાં
શા માટે નહીં? આ પદ લોકતંત્રનાં સૌથી મહત્વનાં પદોમાં સામેલ છે. તેની પસંદગીમાંથી સીજેઆઈને
બહાર રાખવા માટે શું કારણ હોઈ શકે?
કોર્ટે
કેસને બંધારણીય પીઠ સમક્ષ મોકલવાની કેન્દ્ર સરકારની અરજી ઉપર પોતાનો ફેંસલો સુરક્ષિત
રાખ્યો હતો. અદાલતે 2023નાં એ કાયદાની બંધારણીય વૈધતાને પડકારતી અરજીઓ ઉપર સુનાવણી
કરી રહી છે જેમાં સીઈસી અને ઈસીની નિયુક્તિ માટે રાષ્ટ્રપતિ દ્વારા એક પસંદગી સમિતિની
ભલામણ કરવામાં આવે છે. આ સમિતિમાં પ્રધાનમંત્રી, વિપક્ષનાં નેતા અને પ્રધાનમંત્રી દ્વારા
નિયુક્તિ એક કેબિનેટ મંત્રી સામેલ હોય છે.
સુપ્રીમ
કોર્ટે આ પ્રક્રિયા અને સમિતિની રચના સામે સવાલ ઉઠાવતાં એટર્ની જનરલ આર.વેંકટરમણી અને
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આગ્રહ કર્યો હતો કે, અદાલતે સંસદનાં વિવેક સામે સવાલ
ઉઠાવવો ન જોઈએ. તેમણે તર્ક આપ્યો હતો કે, આવું કરવું વિધાયિકાની સ્વતંત્રતામાં ચંચુપાત
સમાન રહેશે. કોઈ અન્ય વિકલ્પ ઉપલબ્ધ હોવાથી વિધાયિકા દ્વારા પસંદિત વિકલ્પ ઉપર સવાલ
ઉઠાવી ન શકાય. સંસદનું મોઢું બંધ કરી શકાય નહીં.