શાંઘાઈ સહયોગ સંગઠનનાં શિખર સંમેલનમાં ભાગ લેવા નોતરું આપવાનો સંકેત
નવી દિલ્હી, તા. 31 : ભારત અને
પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી જારી કૂટનીતિક ગતિરોધ વચ્ચે ધ્યાન ખેંચે તેવા મોટા સમાચાર
મળી રહ્યા છે. વાત જાણે કઈંક એવી છે કે, પાકિસતાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશે.
પાકે એવો સંકેત આપ્યો હતો કે,
2027માં ઈસ્લામાબાદમાં યોજાનાર શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીએ)ના રાષ્ટ્રાધ્યક્ષોનાં શિખર
સંમેલન માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરશે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે કહ્યું
હતું કે, યજમાન દેશ તરીકે તમામ સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ આપવું અમારી
ફરજ છે.
ભારત પણ એ 10 સભ્ય દેશોની યાદીમાં
સામેલ છે, જેમને ઔપચારિક નિમંત્રણ પાકે મોકલવાનું રહે છે.
પાકિસ્તાનનાં આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય
સ્તર પર અને કૂટનીતિક જગતમાં એવી ચર્ચા જામી છે કે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓ
બેઠકમાં ભાગ લેવા ઈસ્લામાબાદ યાત્રા કરશે!
2027માં શાંઘાઈ સહયોગ સંગઠનનાં
શિખર સંમેલનનું આયોજન કરવાની જવાબદારી પાકિસ્તાનને સોંપાઈ છે. જો કે, વર્તમાન તાણની
સ્થિતિ, સિંધુ જળસંધિ મુદ્દે ભારતનું વલણ, પાકની આડોડાઈ જેવા પાસાંઓ ધ્યાને લેતાં મોદી
પાકિસ્તાન જાય તેવી સંભાવનાઓ દેખાતી નથી.