• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

ગુજરાતનો સાદ : રેઈન રેઈન ગો અવે...

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : રાજ્યના 201 તાલુકાઓમાં ધોધમાર વરસાદ, સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 19 ઈંચ વરસાદ 

 

રાજકોટ, સુરત, અમદાવાદ તા.31 : ગુજરાત પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચોમાસાની આ સીઝનમાં દક્ષિણ અને મધ્ય ગુજરાત જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની આગાહી સાચી સાબિત કરતા મેઘરાજાએ માત્ર થોડા જ કલાકોમાં આભ ફાટ્યું હોય તેમ ધોધમાર 19 ઇંચ સુધીનું વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. શેરીઓ બેટમાં ફેરવાઈ છે, નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે અને ખાડીઓ ઉભરાતા શહેરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે આ આપત્તિ સામે ઝીંક ઝીલવા વહીવટી તંત્ર પણ યુદ્ધના ધોરણે સજ્જ બન્યું છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સવારે 6થી સાંજ સુધી રાજ્યના 201 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં 19 ઈંચ, તાપીના ડોલવણ અને નવસારીના વાંસદામાં 14-14 ઈંચ વરસાદ ખબાક્યો છે, જ્યારે 5 તાલુકામાં 10થી 13 ઈંચ તો 30 તાલુકામાં 5થી 9 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સુરતમાં ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં શહેરમાં ફરી એકવાર ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વહીવટી તંત્રએ સ્થળાંતરની કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 1,117 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વરસાદની ગંભીર સ્થિતિને પગલે એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ભારતીય સેનાની ટીમો રાહત-બચાવ કામગીરીમાં જોડાઈ છે. વડોદરાથી ભારતીય સેનાની 203 એન્જિનિયર રેજિમેન્ટની ટીમને સુરત બોલાવવામાં આવી હતી.

ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં કાપડ માર્કેટ, હીરાના કારખાના અને કેટલાક ઔદ્યોગિક એકમો બંધ રાખવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની આગામી ભરતી પરીક્ષા પણ વરસાદી પરિસ્થિતિને કારણે મુલતવી રાખવામાં આવી છે. ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન, બેઝમેન્ટ અને અંડરગ્રાઉન્ડ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વેપારીઓને માલસામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સવારે 6થી 10 વાગ્યા દરમિયાન જ 5.59 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે નદી-નાળામાં પાણીની આવક વધી હતી. આણંદ જિલ્લાના બોરસદમાં 4.61 ઈંચ, પેટલાદમાં 4.25 ઈંચ અને આણંદ શહેરમાં 3.94 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પંચમહાલ જિલ્લામાં સતત વરસાદને કારણે દેવ ડેમમાં પાણીની આવક વધી હતી. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ગેટ ખોલીને દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. નદીકાંઠાના લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી હતી.

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પર અવરજવર ટાળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

 

ડાંગમાં 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં પાણી ભરાતા 311 વિદ્યાર્થીઓને જિલ્લા તંત્ર દ્વારા નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

અમદાવાદમાં પણ વરસાદી માહોલ; અંડરપાસ બંધ કરવા પડ્યા

અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. એસજી હાઈવે, થલતેજ, બોડકદેવ, બોપલ, સરસપુર અને ઈન્ડિયા કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. એસજી હાઈવે પર પેલેડિયમ મોલ પાસે, ચેનપુર અંડરપાસ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થળાંતર અને રેસ્ક્યૂ

રાજ્યમાં કુલ 16,263 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં નવસારીમાંથી સૌથી વધુ 8,063, સુરતમાંથી 4,470 અને તાપીમાંથી 1,446 લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નર્મદા 10 અને છોટાઉદેપુર 31 એમ કુલ 41 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 17 NDRFની ટીમો, 33 જઉછિ ની પ્લાટૂન અને 6 ભારતીય સેનાની ટુકડીઓ (અમદાવાદ-2, નવસારી-2, સુરત-2) તૈનાત કરાઈ છે.

 

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

1 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, આણંદ અને અમદાવાદમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમરેલી, ભરૂચ, મોરબી જિલ્લામાં અતિભારે જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની

શક્યતા છે.

 

નવસારીમાં વીજ કરંટથી ત્રણ શ્રમિકનાં મૃત્યુ

નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક વરસાદ વચ્ચે કરુણ ઘટના બની હતી. 9 શ્રમિકોને લઈ જતો ટેમ્પો નીચા લટકતા વીજ વાયરને અડી જતાં ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ત્રણ શ્રમિકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 

આણંદમાં 3 બાળકો તણાયા, એકનું મૃત્યુ 

આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક એસ.પી કચેરી પાસે આજે બપોરનાં સુમારે ભારે વરસાદનાં કારણે છલોછલ વહી રહેલી કાંસમાં ત્રણ બાળકો તણાઈ જતા બુમાબુમ થતા સ્થાનિકોએ બે બાળકોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી, જ્યારે 11 વર્ષની એક બાળકી કાંસનાં પાણીમાં ડુબી જતા મોતને ભેટી હતી જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.

આજે શાળા-કોલેજમાં રજા જાહેર

અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગર, અમરેલી, વડોદરા, પાટણ, મહિસાગર, સાબરકાંઠા

 

ઇ-પેપરના નવા શુલ્ક