• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

ભારે વરસાદની અસર: શાકભાજીના ભાવમાં 35 ટકાનો ઉછાળો

આવક ઘટતા બજારમાં તંગી, ટિંડોળા, વાલોળ, કોથમીર અને મરચાં સહિતના શાકભાજીના ભાવ આસમાને

અમદાવાદ, તા.31: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદની અસર હવે શાકભાજીના બજાર પર પણ જોવા મળી રહી છે. વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાતા બહારના શહેરો અને રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેના પરિણામે ભાવમાં અચાનક 30થી 35 ટકાનો વધારો નોંધાયો છે.

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોના બજારોમાં ટીંડોળા, વાલોળ, કંકોડા, કોથમીર, આદુ, લીલા મરચાં, ગવાર, ચોળી અને પરવળ જેવા શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જે શાકભાજી સામાન્ય દિવસોમાં 70થી 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તે હવે વધીને 150થી 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર, ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાતા ટ્રકો સમયસર બજાર સુધી પહોંચી શકતી નથી. લાંબા સમય સુધી વાહનો અટવાઈ રહેતા શાકભાજીનો જથ્થો બગડી રહ્યો છે. આવક ઓછી અને માગ યથાવત રહેતા ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જો વરસાદી સ્થિતિ યથાવત રહેશે તો શાકભાજીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. વેપારીઓનું માનવું છે કે પરિવહન વ્યવસ્થા સામાન્ય થયા બાદ જ બજારમાં ભાવમાં રાહત જોવા મળી શકે છે. ભાવ વધારાના કારણે ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને ઘરનું માસિક બજેટ સંભાળવામાં મુશ્કેલી પડી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક