ચીનમાં ઉંચું ઉત્પાદન થતાં ભારતમાંથી નિકાસ માગ નબળી
રાજકોટ,
તા.9 (ફૂલછાબ ન્યૂઝ) : જીરુંમાં આ વર્ષે તો તેજી થઇ જ જશે અને કમાણી કરી લઇશું એવી
ગણતરીએ ખેતી કરનારા ખેડૂતો હવે પસ્તાય રહ્યા છે. જીરુંની આવકના આગમન સાથે અમેરિકા-ઇરાન
વચ્ચે યુદ્ધને લીધે માહોલ ડહોળાઇ જતા નિકાસ ખૂબ જ ફિક્કી રહી છે, તેના કારણે જીરૂના
ભાવ લાંબા સમયથી તળિયે ચાલી રહ્યા છે. હવે તેજી માટે વાવેતર પર સૌની નજર રહેશે. ચાલુ
વર્ષે ચીનમાં પાક સારો હોવાને લીધે નિકાસમાં અડચણ આવી રહી છે. તૂર્કી અને સિરિયા જેવા
દેશો પણ સપ્લાયરની ભૂમિકામાં છે.
અમેરિકા
અને ઇરાન વચ્ચે શાંતિ કરાર થયા ત્યારે 22 જૂને જીરૂનો વાયદો રૂ. 21 હજારને પાર થઇ જતા
ખેડૂતોને તેજીની આશા બંધાઇ હતી. જોકે એ પછી સપ્તાહમાં જ રૂ. 1000 નીકળી જતા ફરીથી બજાર
મૂળસ્થાને આવી ચૂકી છે. સીંગાપોર ક્વોલિટીનો ભાવ રૂ. 4200ને પાર થયા પછી હવે ફરી રૂ.
4050-4080ની આસપાસ અથડાઇ ગયો છે. જે મોસમના રૂ. 3850ના તળિયાના ભાવથી ઘણો જ નજીક છે.
ઉંઝામાં રૂ. 3500-4000ની વચ્ચે ભાવ ચાલે છે. કિસાનો તેજીની રાહ જોઇને થાકી ગયા છે.
રાજકોટના
એક નિકાસકાર કહે છે, જીરૂમાં નિકાસની માગ ઘણી જ પાંખી છે. સામાન્ય વર્ષો કરતા 30થી
40 ટકાનો ઘટાડો વૈશ્વિક માગમાં આવ્યો છે. જીરું નિકાસના જોર અથવા નબળા પાકના કારણ ઉપર
સામાન્ય રીતે વધતું હોય છે. આ વર્ષે બન્ને કારણ વિપરિત છે. નિકાસ તો નબળી છે જ પણ સામે
ઉત્પાદન અને જૂનો પુરવઠો 1 કરોડ ગુણીના સ્તર સુધી પહોંચવાની ધારણા હોવાથી તેજી મુશ્કેલ
બની ગઇ છે. અધૂરામાં પૂરું તૂર્કી, સિરીયા અને ચીન તરફથી અત્યારે વિશ્વ બજારમાં સપ્લાય
સારો છે. ભારતીય જીરું સસ્તું હોવા છતાં અત્યારે માગ પાંખી છે. ચીનનું જીરું પાકિસ્તાન
અને બાંગ્લાદેશમાં જતું હોવાના કારણે ભારતને તક ઓછી રહે છે. વળી, અખાતી દેશોમાં નિકાસ
કરવામાં જોખમ છે અને ભાડાં ઉંચા થઇ ગયા છે એ પણ મોટી મુશ્કેલી છે.
ઉંઝાના
અગ્રણી ટ્રેડર કહે છે, યુદ્ધ વિરામને લીધે ગયા મહિને ઉછાળો આવ્યો ત્યારે બજાર ટકી રહેશે
તેમ લાગતું હતુ પણ હવે તેજીની અપેક્ષા ઓછી છે. તેજી માટે વરસાદ અને પછી થનારા વાવેતર
હવે મોટું કારણ બની રહે તેમ છે. કારણકે પુરવઠો પુષ્કળ છે. કુલ પુરવઠા પૈકી પચ્ચાસ ટકા
આવક જ હજુ થઇ શકી છે. ખેડૂતો અને સ્ટોકિસ્ટો ઉછાળે નીકળી જવા માટે તકની રાહ જોઇ રહ્યા
છે. જીરુંમાં પ્રવર્તમાન ભાવથી મંદી ખાસ થવાની નથી પણ તેજી માટે કોઇ મોટાં કારણની જરૂર
રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.