પાસપોર્ટ અંગે ઉઠેલા સવાલમાં કલકત્તા હાઈકોર્ટે કરેલી ગંભીર ટિપ્પણી
કોલકતા, તા. 9ઃ મતદાર યાદીની વિશેષ ગહન સમીક્ષા(સર) અને નાગરિકતાનાં આધાર મુદ્દે કલકત્તા હાઈકોર્ટે આજે એક બેહદ માર્મિક અને ગંભીર વિચારણા માગી લેતી ટિપ્પણી કરી હતી. આ કિસ્સામાં સર પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી નામ દૂર થયા બાદ અરજદારની પાસપોર્ટ અરજી અટકાવી દેવામાં આવી હતી. જેમાં જસ્ટિસ કૌશિક ચંદાની બેન્ચે રિટ અરજીનો નિકાલ કરતાં કહ્યું હતું કે, સરની પ્રક્રિયા તો વર્ષો સુધી ચાલ્યા રાખશે. સૌપ્રથમ અરજદારની નાગરિકતાનો પ્રશ્ન નક્કી થવો જોઈએ.
કલકત્તા હાઈકોર્ટની જલપાઈગુડી સર્કિટ બેન્ચે મંગળવારે એક કેસમાં અરજદાર સિરાજ ઉલ શેખને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે અદાલતે આમાં કહ્યું હતું કે, તેનાં મત મુજબ, હાલની ગતિએ સર ટ્રિબ્યુનલમાં તમામ અપીલોનો નિકાલ કરવામાં 21 વર્ષનો સમય લઈ શકે છે.
સિરાજુલે શેખ નામના વ્યક્તિએ હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરીને અપીલ કરી હતી કે તેમનો પાસપોર્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યો છે તે મામલો ઉકેલવામાં આવે, જેથી તેઓ વિદેશમાં સારવાર માટે જઈ શકે. પાસપોર્ટ કચેરીએ શેખને તેમનું મૂળ મતદાર ઓળખપત્ર રજૂ કરવા કહ્યું હતું, પરંતુ મતદાર યાદીમાંથી તેમનું નામ દૂર થઈ ગયું હોવાથી તેઓ તે રજૂ કરી શક્યા નહોતા. જેને પગલે કોર્ટે કહ્યું હતું કે, હાલની ગતિએ સર અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ આવેલી તમામ અપીલોનો નિકાલ કરવામાં 21 વર્ષ
લાગી શકે છે. તેને ધ્યાને રાખતા પહેલા પાસપોર્ટનો પ્રશ્ન હલ થવો જોઈએ.
શેખના વકીલ અવિશિકતા દાસે કોર્ટમાં દલીલ કરી હતી કે પાસપોર્ટ અધિનિયમ, 1967 અથવા
પાસપોર્ટ નિયમો, 1980 હેઠળ
મતદાર ઓળખપત્ર ફરજિયાત દસ્તાવેજ નથી, જો ઓળખ, સરનામું અને જન્મ તારીખ અન્ય માધ્યમોથી સાબિત કરી શકાય. જોકે, કોર્ટે પાસપોર્ટ કચેરીને તેમનો તાત્કાલિક પાસપોર્ટ (તત્કાલ પાસપોર્ટ) ઝડપથી જારી કરવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
ગયા અઠવાડિયે પણ કલકત્તા હાઈકોર્ટે સરના આધારે ખાદ્ય સબસિડી મેળવનાર લોકોના નામ દૂર કરવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયને પડકારતી જનહિત અરજીમાં વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અત્યાર સુધી કોઈપણ અસરગ્રસ્ત વ્યક્તિએ સીધો કોર્ટનો સંપર્ક કર્યો નથી.